કોલંબોમાં રમાયેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે મેદાન પર થયેલા વિવાદ બદલ ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકાના ઝડપી બોલર અસિતા ફર્નાન્ડો સામે ICCએ કાર્યવાહી કરી છે. બંને ખેલાડીઓને મેચ ફીના 25 ટકા દંડ સાથે એક-એક ડીમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યો છે.
ICCના જણાવ્યા મુજબ બંને ખેલાડીઓએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને મેચ રેફરી એન્ડી પાઇક્રોફ્ટ દ્વારા સૂચવાયેલી સજા પણ સ્વીકારી હતી. બંનેએ આરોપ સ્વીકારી લીધા હોવાથી આ મામલે ઔપચારિક સુનાવણી યોજવાની જરૂર પડી નહોતી.
ICCના નિયમ 2.12નો ભંગ
બંને ખેલાડીઓને ICC આચાર સંહિતાના નિયમ 2.12 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ નિયમ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ખેલાડી, સપોર્ટ સ્ટાફ, અમ્પાયર, મેચ રેફરી અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે અનુચિત શારીરિક સંપર્ક કરવા અંગે છે.
મેદાની અમ્પાયરો તથા ચોથા અમ્પાયરે બંને ખેલાડીઓ સામે આરોપ મૂક્યા હતા. ત્યારબાદ મામલો મેચ રેફરી સમક્ષ પહોંચ્યો હતો.
ICCએ જણાવ્યું કે છેલ્લા 24 મહિનામાં બંને ખેલાડીઓ સામે કોઈ અગાઉનો શિસ્તભંગનો ગુનો નોંધાયો નહોતો, તેથી તેમના રેકોર્ડમાં માત્ર એક-એક ડીમેરિટ પોઇન્ટ ઉમેરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી બાદ યશસ્વી અને અસિતા બંનેને આગામી મેચોમાં મેદાન પરના વર્તન અંગે વધુ સાવચેતી રાખવી પડશે.









