અયોધ્યાના રામ મંદિર દાનમાં કથિત ગેરરીતિ અને ચોરી અંગે તપાસાત્મક રિપોર્ટિંગ કરનાર પત્રકાર તથા કન્ટેન્ટ ક્રિએટર અભિષેક ઉપાધ્યાય સામે ઉત્તર પ્રદેશ પોલીસે FIR નોંધતા મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR રદ કરવાની માગ સાથે પત્રકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
અરજદારના વકીલે કેસની તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી, જેને પગલે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે મામલાને સુનાવણી માટે લિસ્ટ કરવાની સંમતિ આપી છે. પોલીસ ફરિયાદમાં આરોપ છે કે શિપ્રા મોલ પાસે બલેનો કાર દ્વારા એક બાઇકને ટક્કર મારવામાં આવી અને ત્યારબાદ ધમકી આપવામાં આવી હતી. જોકે, અભિષેક ઉપાધ્યાયે આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે.
પત્રકારનો આરોપ : સ્વતંત્ર રિપોર્ટિંગના કારણે નિશાન બનાવાયા
અભિષેક ઉપાધ્યાયનો દાવો છે કે રામ મંદિર દાન પ્રકરણ ઉપરાંત ભ્રષ્ટાચાર, ગેરકાયદે ખનન અને સરકારી વિભાગોની કથિત અનિયમિતતાઓ અંગે કરવામાં આવેલા તેમના રિપોર્ટિંગથી નારાજ થઈને તેમને ડરાવવા અને દબાવવાના હેતુથી આ કેસ કરવામાં આવ્યો છે.
પત્રકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ FIR રદ કરવાની માગ કરી છે. જો FIR રદ ન થાય તો તપાસ ઉત્તર પ્રદેશ પોલીસને બદલે CBI અથવા દિલ્હી પોલીસ જેવી તટસ્થ એજન્સીને સોંપવાની માગ પણ કરવામાં આવી છે.
હવે સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં FIRની કાયદેસરતા અને તપાસની નિષ્પક્ષતા અંગે કોર્ટ શું દિશા આપે છે તેના પર નજર રહેશે.









