અમીરો માટે સ્વિટ્ઝર્લેન્ડમાં અંડરગ્રાઉન્ડ ‘મેગા સેફ’ સંકટ સમયે બચાવશે બંકરઃ પહાડની 100 મીટર ઊંડાઈએ બની રહ્યા છે લક્ઝરી સેફ રૂમ

સ્વિટ્ઝર્લેન્ડ: દુનિયાના અમીર લોકો માટે હવે તેમની કિંમતી સંપત્તિ જ નહીં પરંતુ સંકટના સમયે પોતાને પણ સુરક્ષિત રાખી શકાય તેવી ખાસ ભૂગર્ભ સુવિધા તૈયાર થઈ રહી છે. સ્વિટ્ઝર્લેન્ડના આલ્પ્સ પર્વતમાળામાં ગ્રેનાઇટની બ્રૂનિગ મેસિફ પહાડીની 100 મીટરથી વધુ ઊંડાઈએ ‘બ્રૂનિગ મેગા સેફ’ નામનો અતિસુરક્ષિત અંડરગ્રાઉન્ડ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યો છે.

આ કોમ્પ્લેક્સમાં 20થી 24 ખાનગી ભૂગર્ભ રૂમ તૈયાર કરવામાં આવશે. અહીં સોનું, કિંમતી કલાકૃતિઓ, મોંઘી કાર અને અન્ય મૂલ્યવાન સંપત્તિ સુરક્ષિત રાખી શકાશે. એટલું જ નહીં, યુદ્ધ, કુદરતી આપત્તિ અથવા અન્ય કોઈ મોટા સંકટની સ્થિતિમાં માલિકો અહીં રોકાઈ પણ શકશે.

રૂ.5.8 કરોડથી શરૂ થશે કિંમત

આ ખાનગી ભૂગર્ભ રૂમ વેચાણ માટે નહીં પરંતુ 99 વર્ષની લીઝ પર આપવામાં આવશે. કંપનીના જણાવ્યા પ્રમાણે એક રૂમની શરૂઆતની કિંમત આશરે 5 લાખ સ્વિસ ફ્રેંક એટલે કે લગભગ રૂ.5.8 કરોડ રહેશે. જ્યારે મોટા રૂમની કિંમત 10 લાખ સ્વિસ ફ્રેંક સુધી જઈ શકે છે.

સ્વિસ ઉદ્યોગપતિ થોમસ ગૈસરના નેતૃત્વમાં આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે અને કંપનીના જણાવ્યા મુજબ આગામી વર્ષથી તેની સુવિધાઓ શરૂ થઈ શકે છે.

સ્વિસ બેંક જેવી સુરક્ષા

આ અંડરગ્રાઉન્ડ કોમ્પ્લેક્સમાં સુરક્ષાને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પ્રવેશ માટે સુરક્ષિત ગેટ હશે અને અનેક તબક્કામાં સુરક્ષા તપાસ કરવામાં આવશે.

ખાસ વાત એ છે કે ગ્રાહકો પોતાની કાર એક સુરંગ મારફતે સીધી પોતાના ખાનગી રૂમ સુધી લઈ જઈ શકશે. કંપનીનો દાવો છે કે અહીંની સુરક્ષા વ્યવસ્થા સ્વિસ નેશનલ બેંકમાં ઉપયોગમાં લેવાતી સુરક્ષા પ્રણાલી જેવી રાખવામાં આવશે.

રેસ્ટોરન્ટથી બંકર સુધીનું રૂપાંતર

આજે જ્યાં ‘મેગા સેફ’ બનાવાઈ રહ્યું છે ત્યાં અગાઉ રેસ્ટોરન્ટ અને કાર્યક્રમો માટેનું સ્થળ હતું. આ જગ્યાએ શૂટિંગ રેન્જ તેમજ ફાયરફાઇટર ટ્રેનિંગ સેન્ટર પણ હતાં.

હવે આ સ્થળને અતિસુરક્ષિત ખાનગી ભૂગર્ભ કોમ્પ્લેક્સમાં બદલવામાં આવી રહ્યું છે. જોકે, સ્થાનિકોમાં આ પ્રોજેક્ટને લઈને ચર્ચા પણ શરૂ થઈ છે. કેટલાક લોકો સવાલ કરી રહ્યા છે કે અબજોપતિઓ માટે કરોડો રૂપિયાની આવી ભૂગર્ભ સુવિધાની ખરેખર કેટલી જરૂરિયાત છે.

Leave a Comment

Traffic Tail