રજા માણવા બાંગ્લાદેશ ગયેલા લોકો પરત ફરી શકતા નથી; વિઝા રદ થવાનું ચોક્કસ કારણ હજુ રહસ્ય
ઢાકા: સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા હજારો બાંગ્લાદેશીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. અહેવાલો મુજબ યુએઈએ આશરે 4,800 બાંગ્લાદેશીઓના વિઝા રદ કરી દીધા છે. આ લોકો રજાઓ માટે બાંગ્લાદેશ આવ્યા હતા, પરંતુ વિઝા રદ થતાં હવે તેઓ યુએઈ પરત ફરી શકતા નથી. કેટલાક પાકિસ્તાની નાગરિકોના વિઝા પણ રદ કરાયા હોવાના અહેવાલ છે.
વિઝા રદ થયેલા અનેક લોકોને ઈ-મેઇલ અથવા મેસેજ મારફતે જાણ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે ઘણા કિસ્સામાં વિઝા રદ કરવા પાછળનું ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી. બાંગ્લાદેશ સરકારે આ મુદ્દે યુએઈ સત્તાવાળાઓ સાથે રાજદ્વારી સ્તરે વાતચીત શરૂ કરી છે અને અસરગ્રસ્તોના વિઝાની સમીક્ષા કરવાની માંગ કરી છે.
27 વર્ષથી યુએઈમાં રહેતા વ્યક્તિનો વિઝા પણ રદ
અસરગ્રસ્તોમાં અબુલ કલામ આઝાદનો પણ સમાવેશ થાય છે. તેઓ છેલ્લા 27 વર્ષથી યુએઈમાં રહેતા હતા. તેઓ 7 એપ્રિલે બાંગ્લાદેશ આવ્યા હતા અને 24 જુલાઈએ તેમને ઈ-મેઇલ મળ્યો કે તેમનો વિઝા રદ કરવામાં આવ્યો છે. નોટિસમાં વિઝા રદ કરવાનું કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નહોતું.
જુલાઈથી આવા અનેક કિસ્સાઓ સામે આવવા લાગ્યા હતા. વિઝા રદ થવાથી યુએઈમાં નોકરી, વ્યવસાય અને દુકાનો ધરાવતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. ઘણા કામદારો પોતાના પરિવારના ભરણપોષણ માટે યુએઈથી મળતી આવક અને રેમિટન્સ પર નિર્ભર છે.
સરકાર પાસે મદદની માંગ
ઢાકાની નેશનલ પ્રેસ ક્લબ ખાતે આશરે 350 અસરગ્રસ્ત બાંગ્લાદેશીઓએ એકત્ર થઈ સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી હતી. તેમણે પુનર્વસન, નાણાકીય સહાય અને પરિવારના નિર્વાહ માટે માસિક આર્થિક મદદ સહિતની માંગણીઓ રજૂ કરી હતી.
અસરગ્રસ્તોએ જો યુએઈમાં પરત જવાની મંજૂરી ન મળે તો અન્ય દેશોમાં રોજગારીની તકો મેળવવામાં સરકાર મદદ કરે તેવી પણ અપીલ કરી છે.
વિઝા રદ થવાનું કારણ શું?
સામૂહિક વિઝા રદ કરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી. બાંગ્લાદેશી અધિકારીઓએ આ મામલો યુએઈ સમક્ષ ઉઠાવ્યો છે. દરમિયાન, યુએઈમાં વિઝા અને સુરક્ષા તપાસ વધુ કડક બનાવવામાં આવી હોવાના અહેવાલો છે.
બાંગ્લાદેશના અધિકારીઓના જણાવ્યા મુજબ યુએઈમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ નોકરી અને વ્યવસાય કરે છે. તેથી બંને દેશો વચ્ચે રાજદ્વારી ચર્ચા દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.









