સાઉદી અરેબિયાનો પ્રવાસ જોખમી! અમેરિકાની એડવાઈઝરી

મક્કા નજીક હુથી ડ્રોન તોડી પાડ્યાના અહેવાલ બાદ સુરક્ષા ચિંતા વધી; અમેરિકાએ નાગરિકોને ‘પ્રવાસ અંગે પુનર્વિચાર’ કરવા કહ્યું

વોશિંગ્ટન: મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં સુરક્ષાને લઈને અમેરિકાએ પોતાના નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે સાઉદી અરેબિયાને લેવલ-3 ‘રીકન્સિડર ટ્રાવેલ’ કેટેગરીમાં રાખી નાગરિકોને સાઉદી પ્રવાસ અંગે પુનર્વિચાર કરવાની સલાહ આપી છે. યમન સરહદી વિસ્તાર માટે લેવલ-4 ‘ડુ નોટ ટ્રાવેલ’ની ચેતવણી યથાવત્ રાખવામાં આવી છે.

અમેરિકાની એડવાઈઝરીમાં ઈરાન તરફથી ડ્રોન અને મિસાઈલ હુમલાનો ખતરો, સશસ્ત્ર સંઘર્ષ અને આતંકવાદ સહિતના જોખમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમેરિકાના જણાવ્યા મુજબ સાઉદી અરેબિયામાં અગાઉ પણ શહેરો, એરપોર્ટ, લશ્કરી મથકો અને ઊર્જા માળખાંને ડ્રોન-મિસાઈલ હુમલાનું જોખમ રહ્યું છે.

આ દરમિયાન સાઉદી અરેબિયાએ દાવો કર્યો છે કે યમનના હુથી સંગઠન તરફથી મક્કા તરફ આવી રહેલા ડ્રોનને સાઉદી હવાઈ સંરક્ષણ દળોએ મક્કાના પ્રતિબંધિત એરસ્પેસમાં પ્રવેશે તે પહેલાં જ તોડી પાડ્યું હતું. સાઉદી અધિકારીઓએ પવિત્ર સ્થળોની સુરક્ષાને ‘રેડ લાઈન’ ગણાવી છે.

જોકે, હુથી પ્રવક્તાએ મક્કાને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. હુથી પક્ષે સાઉદી દાવાને નકારી પોતે મક્કા કે અન્ય ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યા ન હોવાનું જણાવ્યું છે.

મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને સાઉદી અરેબિયા પરના વધતા હુમલાના જોખમ વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકોને સાવચેતી રાખવા જણાવ્યું છે. ખાસ કરીને યમન સરહદના વિસ્તારોમાં અમેરિકાએ કોઈપણ પ્રકારની મુસાફરી ન કરવાની સ્પષ્ટ સલાહ આપી છે.

Leave a Comment

Traffic Tail