ભાવનગરમાં હનીટ્રેપ ગેંગનો ભાંડો ફૂટ્યો: ફેસબુક પર મિત્રતા કરી આધેડ પાસેથી રૂ.3.05 લાખ પડાવ્યા

ભાવનગરમાં ફેસબુક પર મિત્રતા કેળવી આધેડને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી રૂ.3.05 લાખ પડાવનાર હનીટ્રેપ ગેંગનો LCBએ પર્દાફાશ કર્યો છે. પોલીસે ફુલસર વિસ્તારમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક મહિલા સહિત ત્રણ આરોપીઓ ફરાર છે.

ગેંગની મહિલા સભ્ય આધેડને સાળંગપુર દર્શનના બહાને લઈ ગઈ હતી. પરત ફરતી વખતે અન્ય સાગરીતોએ કાર રોકી પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનો દાવો કર્યો હતો. આરોપીઓએ ડ્રગ્સ-ગાંજાના વેપાર અને યુવતીને ભગાડી જવાના ખોટા આરોપ લગાવી એન્કાઉન્ટરની ધમકી આપી હતી.

રૂ.7થી 8 લાખની માંગણી બાદ આધેડે રૂ.3.05 લાખ આપ્યા હતા. ફરિયાદના આધારે તપાસ કરતી LCBએ બાતમીના આધારે ઘનશ્યામ ઉર્ફે શ્યામ લાઠીયા અને રાજેશ કાથરોટીયાને વેરના કાર સાથે ઝડપી લીધા હતા.

પોલીસના જણાવ્યા મુજબ બંને સામે અગાઉ પણ લૂંટ, ધમકી, તોડબાજી અને વસૂલી સહિતના ગુના નોંધાયેલા છે. અન્ય આરોપીઓ રમેશ ઉર્ફે કાનો સાગરકા, નિકુંજ સોલંકી અને વિલાસબેન પુરાણીની શોધખોળ ચાલુ છે.

Leave a Comment

Traffic Tail