કાનપુરમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ : ગુજરાતના ઇન્સ્ટ્રક્ટર સહિત બે પાયલોટનાં મોત

કાનપુરના ગંગા બેરાજ નજીક ટ્રેનિંગ દરમિયાન ચાર સીટર એરક્રાફ્ટ ક્રેશ થતાં ગુજરાતના ઇન્સ્ટ્રક્ટર સહિત બે પાયલોટનાં મોત થયા છે. સવારે નત્થા પુરવા ગામ નજીક બનેલી આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર, JCP, DCP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, એરક્રાફ્ટમાં ગુજરાતના ઇન્સ્ટ્રક્ટર સચિન ભાટિયા અને કર્ણાટકના રહેવાસી ટ્રેઇની પાયલોટ અભિષેક પુજારી સવાર હતા. બંને ગર્ગ એવિએશન ટ્રેનિંગ સેન્ટરથી ટ્રેનિંગ માટે એરક્રાફ્ટ લઈને નીકળ્યા હતા. જોકે, ગંગા બેરાજ નજીક અચાનક એરક્રાફ્ટ ક્રેશ થતાં બંનેના મોત થયા હતા. બનાવની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી છે.

વિસ્ફોટના અવાજ બાદ એરક્રાફ્ટ ક્રેશ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એરક્રાફ્ટ ક્રેશ થતાં પહેલાં વિસ્ફોટ જેવો મોટો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ એરક્રાફ્ટ જમીન પર તૂટી પડ્યું હતું. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે એરક્રાફ્ટનો કાટમાળ મોટા વિસ્તારમાં વિખેરાયેલો જોવા મળ્યો હતો.

કાનપુર પોલીસ કમિશનર રઘુવીર લાલના જણાવ્યા મુજબ, દુર્ઘટના સવારે આશરે 11:30 વાગ્યે બની હતી. એરક્રાફ્ટમાં ઇન્સ્ટ્રક્ટર અને ટ્રેઇની પાયલોટ સવાર હતા. બંનેને મળીને આશરે 3,000 કલાકનો વિમાન ઉડાવવાનો અનુભવ હોવાનું જણાવાયું છે.

DGCAને જાણ, કારણ જાણવા તપાસ શરૂ

દુર્ઘટનાની જાણ તાત્કાલિક DGCAને કરવામાં આવી હતી. એરક્રાફ્ટ કયા કારણોસર ક્રેશ થયું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે એરક્રાફ્ટ કોઈ વસ્તુ સાથે અથડાયું હતું કે ટેકનિકલ ખામીના કારણે અકસ્માત સર્જાયો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ અને સંબંધિત અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળેથી કાટમાળ તથા અન્ય પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. તપાસ આગળ વધ્યા બાદ જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

Leave a Comment

Traffic Tail