વિદેશથી મેડિકલ ડિગ્રી મેળવીને ભારત પરત ફરતા વિદ્યાર્થીઓ માટે સરકાર FMGE પરીક્ષામાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. હાલ વર્ષમાં બે વખત યોજાતી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE) હવે વર્ષમાં ત્રણ વખત યોજવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. સાથે જ પરીક્ષાના પ્રશ્નપત્રને પણ સરળ, મધ્યમ અને અઘરા પ્રશ્નોની નિશ્ચિત શ્રેણીમાં વહેંચવાની યોજના છે.
જોકે, જૂન 2026માં યોજાયેલી FMGE પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા ગ્રેસ માર્ક્સની માંગ કરવામાં આવી રહી હોવા છતાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે જૂનની પરીક્ષામાં કોઈ વધારાના ગુણ આપવામાં આવશે નહીં. વિદેશમાં મેડિકલ અભ્યાસ પૂર્ણ કરનારા ભારતીય વિદ્યાર્થીઓએ ભારતમાં મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે FMGE પાસ કરવી જરૂરી છે.
જૂનની પરીક્ષામાં પાસિંગ રેશિયો ઘટ્યો
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ જૂનમાં યોજાયેલી FMGE પરીક્ષા ખૂબ અઘરી હતી. આ મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડિસેમ્બર 2025માં પ્રથમ વખત પરીક્ષા આપનારા ઉમેદવારોનો પાસિંગ રેશિયો 47.53 ટકા હતો, જે જૂન 2026માં ઘટીને 35.74 ટકા થયો હતો.
જૂનની પરીક્ષામાં પાંચ કે તેથી વધુ વખત પરીક્ષા આપી રહેલા ઉમેદવારોનો પાસિંગ રેશિયો પ્રથમ વખત પરીક્ષા આપનારા ઉમેદવારો કરતાં વધુ રહ્યો હતો. સામાન્ય રીતે દરેક સેશનમાં 35થી 40 હજાર મેડિકલ ગ્રેજ્યુએટ્સ પરીક્ષા આપે છે, જેમાં આશરે 10 હજાર ઉમેદવારો પ્રથમ વખત પરીક્ષા આપતા હોય છે.
પ્રશ્નપત્રમાં પણ ફેરફારની શક્યતા
સરકાર જે ફેરફારો અંગે વિચારણા કરી રહી છે તેમાં FMGEને વર્ષમાં ત્રણ વખત યોજવા ઉપરાંત પ્રશ્નપત્રનું માળખું બદલવાનો પણ સમાવેશ થાય છે. સંભવિત માળખા મુજબ 30 ટકા સરળ, 50 ટકા મધ્યમ અને 20 ટકા અઘરા પ્રશ્નો રાખવામાં આવી શકે છે.
આ ઉપરાંત પરીક્ષા ફીની સમીક્ષા, પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થામાં વધુ પારદર્શિતા અને વિદ્યાર્થીઓની અન્ય સમસ્યાઓના ઉકેલ માટે પણ પગલાં લેવામાં આવી શકે છે.
UGC-NET સહિતના પરિણામો આ અઠવાડિયે
બીજી તરફ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા UGC-NET, CSIR-NET અને ICARની વિવિધ પરીક્ષાઓનાં પરિણામો આ અઠવાડિયે જાહેર કરવામાં આવનાર છે. UGC-NETના 84 વિષયો ઉપરાંત CSIR-NET, ICAR AIEEA (PG) અને ICAR (PhD)ના પરિણામો પણ જાહેર થશે.
NTAએ ઉમેદવારોને પરિણામ અને અંતિમ આન્સર કી માટે માત્ર સત્તાવાર સૂચનાઓ તથા અધિકૃત વેબસાઇટ પર જ ભરોસો રાખવાની સલાહ આપી છે. UGC-NET પરીક્ષા 22થી 30 જૂન 2026 દરમિયાન યોજાઈ હતી.









