અમેરિકાની કડકાઈથી ભારત-ઈરાન વેપાર પર સંકટ : નિકાસકારો અને ચાબહાર પ્રોજેક્ટની ચિંતા વધી

અમેરિકાએ ઈરાનને આર્થિક રીતે અલગ પાડવા માટે પોતાની પ્રતિબંધ નીતિ વધુ કડક બનાવવાની જાહેરાત કરી છે. ઈરાનના નાણાકીય નેટવર્ક, તેલની આવક, શિપિંગ અને વૈશ્વિક વેપાર વ્યવસ્થાને નિશાન બનાવતી આ કાર્યવાહીથી ભારત-ઈરાન વેપાર સંબંધો પર પણ સીધી અસર થવાની આશંકા છે. ભારતીય નિકાસકારો ઉપરાંત બેંકો, શિપિંગ કંપનીઓ અને ચાબહાર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં ચિંતા વધી છે.

2018 બાદ ભારત-ઈરાન વેપારનું ચિત્ર બદલાયું

એક સમયે ભારત ઈરાનના મોટા વેપારી ભાગીદારોમાં સામેલ હતું, પરંતુ અમેરિકી પ્રતિબંધો બાદ બંને દેશો વચ્ચેનો વેપાર મોટા પ્રમાણમાં ઘટ્યો છે. 2018-19માં ભારત-ઈરાન વચ્ચે રૂ.36,371.30 કરોડનો વેપાર થયો હતો. તેમાં ભારતે રૂ.5,685.62 કરોડની નિકાસ કરી હતી, જ્યારે ઈરાનથી રૂ.30,685.68 કરોડની આયાત કરી હતી.

2025-26માં બંને દેશો વચ્ચેનો વેપાર ઘટીને આશરે રૂ.14,483.81 કરોડ રહ્યો હતો. તેમાં ભારતની નિકાસ રૂ.11,113.35 કરોડ અને ઈરાનથી આયાત આશરે રૂ.3,325.45 કરોડ રહી હતી. આમ, અગાઉની સરખામણીએ વેપારનું પ્રમાણ ઘણું ઘટ્યું છે અને હવે ભારત ઈરાનને વધુ નિકાસ કરે છે.

ચોખા, ચા, મસાલા અને દવાઓની નિકાસને ફટકો પડી શકે

ભારતથી ઈરાનમાં મુખ્યત્વે ચોખા, ચા, કોફી, મસાલા અને દવાઓ જેવી ચીજવસ્તુઓની નિકાસ થાય છે. નિષ્ણાતોના મતે અમેરિકાના નવા પ્રતિબંધો વધુ કડક બનશે તો આ નિકાસમાં ચુકવણી, બેન્કિંગ, વીમા અને શિપિંગ સંબંધિત મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

છેલ્લાં વર્ષોમાં ભારતીય માલનો મોટો હિસ્સો દુબઈના માર્ગે ઈરાન પહોંચે છે. નવા પ્રતિબંધોના કારણે નિકાસકારો માટે ખર્ચ અને જોખમ બંને વધવાની શક્યતા છે.

ચાબહાર પ્રોજેક્ટ પણ મહત્વનો

ઈરાનમાં ભારત માટે ચાબહાર બંદર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. આ બંદર ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના બજારો સુધી પહોંચવા માટે વૈકલ્પિક માર્ગ આપે છે. ઈરાન પર અમેરિકાનું દબાણ વધતાં ચાબહાર સાથે સંકળાયેલી ભારતીય વેપારી પ્રવૃત્તિઓ અંગે પણ અનિશ્ચિતતા વધી શકે છે.

ઈરાની તેલની આયાતમાં ઘટાડો

અમેરિકી પ્રતિબંધો બાદ ભારતે ઈરાનથી કાચા તેલની આયાતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. હોર્મુઝ જળમાર્ગના સંકટ અને પશ્ચિમ એશિયામાં વધેલા તણાવ વચ્ચે ભારતે અન્ય દેશોમાંથી ક્રૂડની ખરીદી વધારી છે.

જો ઈરાનનું તેલ વૈશ્વિક બજારમાંથી મોટા પ્રમાણમાં બહાર થઈ જાય તો પુરવઠા પર દબાણ વધી શકે છે. પરિણામે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધારો થવાની શક્યતા છે, જેનાથી પેટ્રોલ-ડીઝલ, પરિવહન અને ઉત્પાદન ખર્ચ પણ વધી શકે છે.

અમેરિકાના નિશાન પર ઈરાનના છ મહત્વના ક્ષેત્ર

અમેરિકાની નવી કાર્યવાહી હેઠળ ઈરાનના અનેક ક્ષેત્રોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે:

ક્રિપ્ટો અને ડિજિટલ એસેટ્સ : ઈરાનના આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો માટે ઉપયોગમાં લેવાતા નેટવર્ક પર નિયંત્રણ.

સોનું : તેલના બદલામાં સોના મારફતે નાણાં મેળવવાની સંભાવનાઓ પર લગામ.

શિપિંગ : ઈરાની તેલની હેરફેર કરતા શેડો ટેન્કરો અને સંબંધિત કંપનીઓ સામે કાર્યવાહી.

વિમાનન : ઈરાની એરલાઈન્સને સ્પેર પાર્ટ્સ, મેન્ટેનન્સ અને અન્ય સેવાઓની ઉપલબ્ધતા પર નિયંત્રણ.

ટેકનોલોજી : ડ્રોન, મિસાઈલ અને સૈન્ય ઉપયોગી માઈક્રોચિપ્સ, સેન્સર્સ તથા અન્ય ટેક્નોલોજીની નિકાસ પર પ્રતિબંધ.

નાણાકીય નેટવર્ક : ઈરાનની બેંકો, શેલ કંપનીઓ અને મની એક્સચેન્જ મારફતે થતી લેવડદેવડ પર કડક નિયંત્રણ.

ચીન ઈરાની તેલનો સૌથી મોટો ખરીદદાર

ઈરાનના મહત્વના વેપારી ભાગીદારોમાં ચીન, ઈરાક, UAE અને તુર્કીયેનો સમાવેશ થાય છે. ઈરાની તેલનો સૌથી મોટો ખરીદદાર ચીન છે. અમેરિકાનું દબાણ ઈરાનની તેલ આવક ઘટાડવા ઉપરાંત તેના મુખ્ય વેપારી ભાગીદારો સાથેના નાણાકીય સંબંધોને નબળા પાડવા પર પણ કેન્દ્રિત છે.

આ પ્રતિબંધો લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ભારતના ઈરાન સાથેના વેપાર પર વધુ દબાણ આવી શકે છે અને વૈશ્વિક સ્તરે તેલના ભાવ, શિપિંગ ખર્ચ તથા સપ્લાય ચેઇનમાં અસ્થિરતા વધવાની શક્યતા છે.

Leave a Comment

Traffic Tail