ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભારત આગમન સાથે ભારત-ચીન સંબંધોમાં નવી હવાની આશા ઊભી થઈ છે. એક તરફ દિલ્હીમાં BRICS શિખર સંમેલનને કારણે વિશ્વભરની નજર ભારત પર છે, તો બીજી તરફ લાંબા સમયથી તણાવમાં રહેલા ભારત-ચીન સંબંધોમાં પણ નરમાશના સંકેતો દેખાઈ રહ્યા છે.
શી જિનપિંગ આજે બપોરે 12.55 કલાકે દિલ્હી પહોંચ્યા હતા. તેમના આગમનને પગલે પાટનગરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી. જિનપિંગ સાથે આશરે 400 સભ્યોનું વિશાળ પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે. તેમાં ચીનના ટોચના મંત્રીઓ ઉપરાંત અગ્રણી ચીની કંપનીઓના CEOનો પણ સમાવેશ થાય છે.
જિનપિંગના આગમન બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે. બંને નેતાઓ વચ્ચે ભારત-ચીન સંબંધો, વેપાર, આર્થિક સહયોગ અને પ્રાદેશિક સ્થિરતા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
સીધી હવાઈ સેવા ફરી શરૂ થતાં સંબંધોમાં નવી શરૂઆત
જિનપિંગના ભારત આગમન પહેલાં જ બંને દેશો વચ્ચે સકારાત્મક વાતાવરણ બનવાનું શરૂ થઈ ગયું છે. લાંબા સમયથી સ્થગિત રહેલી ભારત-ચીન વચ્ચેની સીધી હવાઈ સેવા ફરી શરૂ થઈ રહી છે.
ચીનની એરલાઈને 21 સપ્ટેમ્બરથી ગુઆંગઝુ-દિલ્હી વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. તબક્કાવાર બંને દેશોના અન્ય શહેરોને પણ સીધી હવાઈ સેવા સાથે જોડવાની યોજના છે. આ ઉપરાંત ભારતની ઇન્ડિગોએ પણ કોલકાતા-ગુઆંગઝુ વચ્ચેની સીધી ફ્લાઈટ સેવા શરૂ કરી છે.
સીધી હવાઈ કનેક્ટિવિટી ફરી શરૂ થવાથી બંને દેશો વચ્ચે વેપાર, પ્રવાસન અને લોકો વચ્ચેના સંપર્કમાં વધારો થવાની અપેક્ષા છે.
‘મતભેદો છે, પરંતુ વાતચીત બંધ નહીં થાય’
જિનપિંગના ભારત આગમન પહેલાં ચીનના ભારતમાં રાજદૂત શુ ફેઈહોંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે ભારત અને ચીન વચ્ચે મતભેદો હોવાનો સ્વીકાર કર્યો હતો, પરંતુ સ્પષ્ટ કર્યું હતું કે મતભેદોના કારણે બંને દેશો વચ્ચેની વાતચીત અટકવી જોઈએ નહીં.
સાત વર્ષ બાદ ચીનના રાષ્ટ્રપતિનું ભારત આગમન અને તેની સાથે સીધી હવાઈ સેવા પુનઃ શરૂ થવી બંને દેશોના સંબંધોમાં મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહી છે. BRICSના મંચ પર મોદી-જિનપિંગ મુલાકાત અને દ્વિપક્ષીય મંત્રણા બંને દેશો વચ્ચેનો તણાવ ઘટાડવા માટે મહત્વપૂર્ણ બની શકે છે.









