દિલ્હીમાં BRICS શિખર સંમેલનને લઈને વૈશ્વિક ડિપ્લોમસીનો માહોલ સર્જાયો છે. ભારત, ચીન, રશિયા સહિતના BRICS દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓની હાજરી વચ્ચે આતંકવાદ સામે સામૂહિક લડત, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના કાયમી સભ્યપદ સહિત આશરે 50 જેટલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. અનેક મુદ્દાઓ પર ઐતિહાસિક સમજૂતી બનવાના સંકેતો મળી રહ્યા છે.
દિલ્હીના ભારત મંડપમ ખાતે આજે બપોર બાદ BRICSની પ્રથમ ઔપચારિક બેઠક યોજાશે, જ્યારે આવતીકાલે ઓપન સેશન યોજાશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સહિત અનેક દેશોના નેતાઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આજે દિલ્હી પહોંચશે.
BRICS દેશો વચ્ચે હાલ દ્વિપક્ષીય મંત્રણાઓનો દોર ચાલી રહ્યો છે. ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી બેઠકમાં આતંકવાદ સામે કડક વલણ, વેપારમાં આવતા અવરોધો દૂર કરવા, ટેકનોલોજી અને જ્ઞાનનું આદાન-પ્રદાન, માનવ સંસાધન તથા પ્રાદેશિક સ્થિરતા જેવા મુદ્દાઓ મુખ્ય એજન્ડામાં રહેશે.
વિશ્વની મોટી વસ્તી અને વૈશ્વિક અર્થતંત્રમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતા BRICS મંચની આ બેઠકને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિમાં કાયમી સભ્યપદનો મુદ્દો પણ મજબૂત રીતે ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે.
જોકે અમેરિકા-ઈરાન અને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર BRICSનું સર્વસંમતિથી સંયુક્ત ઘોષણાપત્ર બહાર પડે તેવી શક્યતા ઓછી છે. અગાઉ વિદેશમંત્રી સ્તરની બેઠકમાં પણ આવા મુદ્દાઓ પર સભ્ય દેશો વચ્ચે સંપૂર્ણ સહમતિ બની શકી નહોતી.
ભારતે BRICSના વિવિધ મુદ્દાઓ પર સભ્ય દેશો વચ્ચે સમાન અભિગમ ઊભો કરવા માટે અગાઉ અનેક બેઠકો યોજી હતી. ભારતનો પ્રયાસ BRICSને ગ્લોબલ સાઉથના દેશોનો વધુ મજબૂત અને અસરકારક અવાજ બનાવવાનો છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આગમન બાદ ભારત-ચીન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાય તેવી શક્યતા છે. ચીન અને રશિયાના નેતાઓ પણ BRICS બેઠકની સમાંતર અલગથી મુલાકાત કરી શકે છે. આજે સાંજે મહેમાન રાષ્ટ્રાધ્યક્ષોના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે સવારે BRICSનું ઓપન સેશન શરૂ થશે અને સાંજે શિખર સંમેલનનું સમાપન થશે.
BRICSમાં કયા મુદ્દાઓ પર સહયોગની શક્યતા?
- આતંકવાદ સામે સંયુક્ત લડત
- ટેકનોલોજી અને જ્ઞાન ક્ષેત્રે સહયોગ
- સભ્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક જોડાણ
- વૈશ્વિક વેપારના અવરોધો દૂર કરવા પ્રયાસ
- AIના જોખમો સામે સંયુક્ત પગલાં
- વૈશ્વિક સંસ્થાઓને વધુ મજબૂત બનાવવી
- પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા પર ભાર









