તહેરાન/અબુધાબી: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝ જળમાર્ગમાં સુરક્ષાની સ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ઝંડા હેઠળ સંચાલિત બે ઓઈલ ટેન્કર પર હુમલો થયાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં એક ભારતીય નાગરિકનું મોત થયું હોવાનું અને અન્ય આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે.
અહેવાલો અનુસાર, ઓમાનના જળક્ષેત્રમાં હોર્મુઝ જળમાર્ગની દક્ષિણ લેનમાંથી પસાર થઈ રહેલા ‘મોમ્બાસા’ અને ‘બાહીયા’ નામના ઓઈલ ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલા બાદ બંને જહાજોમાં આગ લાગી હતી, જોકે જહાજના ક્રૂ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો હોવાનું જણાવવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મૃતક ભારતીય નાગરિક ‘મોમ્બાસા’ જહાજ પર ફરજ બજાવી રહ્યો હતો. ઉપરાંત છ ભારતીય અને બે યુક્રેનના નાગરિકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઈરાન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે હોર્મુઝ જળમાર્ગમાં તેમની મંજૂરી વગર ઉપયોગમાં લેવાતા રૂટ પરથી પસાર થતાં જહાજોને ચેતવણીરૂપ કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ, આ ઘટનાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બ્રિટિશ સમુદ્રી સુરક્ષા એજન્સીઓએ પણ ઓમાન નજીક એક વેપારી જહાજ પર હુમલાની ઘટનાની માહિતી જાહેર કરી છે. વધતા તણાવને ધ્યાનમાં રાખીને હોર્મુઝ જળમાર્ગમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.
મધ્યપૂર્વમાં સતત વધી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક વેપાર, કાચા તેલના પુરવઠા અને સમુદ્રી પરિવહન પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.









