દેશભરમાં 80થી વધુ ટોલ પ્લાઝા બંધ થશે? કેન્દ્રના આંતરિક ઓડિટમાં નિયમભંગનો ખુલાસો

નવી દિલ્હી: નેશનલ હાઇવે પર મુસાફરી કરતા કરોડો વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના આંતરિક ઓડિટ રિપોર્ટમાં દેશભરના 80થી વધુ ટોલ પ્લાઝા અંગે ગંભીર અનિયમિતતાઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલ મુજબ, કેટલાક ટોલ પ્લાઝા પર પ્રોજેક્ટની મૂડીગત કિંમતની વસૂલાત પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં ટોલ વસૂલવામાં આવી રહ્યો છે, જ્યારે કેટલાક સ્થળોએ 60 કિલોમીટરના અંતરના નિયમનું પણ પાલન કરવામાં આવતું નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર આવા નિયમવિરોધી ટોલ પ્લાઝા સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે અને આગામી 1 ઓક્ટોબરથી તબક્કાવાર આવા ટોલ પ્લાઝા બંધ કરવાની યોજના પર વિચારણા ચાલી રહી છે.

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઉત્તરાખંડ તેમજ દક્ષિણ ભારતના કેટલાક ટોલ ઓપરેટરો પ્રોજેક્ટની મૂળ કિંમત વસૂલાઈ ગયા બાદ પણ ટોલ વસૂલાત ચાલુ રાખવા માટે નવા વિકાસ કાર્યોના પ્રસ્તાવો રજૂ કરે છે. તેમાં ફ્લાયઓવર, અંડરપાસ અથવા સર્વિસ રોડ જેવા નવા કામોનો ખર્ચ જૂના પ્રોજેક્ટ સાથે જોડીને કુલ રોકાણ હજુ પૂર્ણ થયું નથી તેવું દર્શાવવામાં આવે છે.

આ પ્રક્રિયાના કારણે વર્ષો સુધી વાહનચાલકો પાસેથી સંપૂર્ણ ટોલ વસૂલાત ચાલુ રહેતી હોવાનો ઓડિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આંતરિક તપાસ દરમિયાન આ પ્રકારની કામગીરી પર સવાલો ઊભા થયા છે.

ઓડિટ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે અનેક સ્થળોએ 60 કિલોમીટરના અંતરના નિયમનું ઉલ્લંઘન કરીને સબ-ટોલ પ્લાઝા ચલાવવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ આવા કેટલાક ટોલ પ્લાઝા જરૂરી કાનૂની મંજૂરી વિના કાર્યરત હોવાનું પણ સામે આવ્યું છે.

હાલ સરકાર તરફથી આ મુદ્દે અંતિમ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આંતરિક ઓડિટના આધારે નિયમવિરોધી ટોલ પ્લાઝા સામે કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail