રાજકોટમાં યોજાયેલા બાબા બાગેશ્વરના દરબારમાં જાહેરમાં લોકો ધુણતા જોવા મળ્યાના મામલે હવે સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ પણ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
પુરુષોત્તમ પીપળિયાએ જણાવ્યું હતું કે ડાકિની, શાકિની અને પિશાચિનીના નામે લોકોને જાહેરમાં ધુણાવવાની ઘટનાઓને લઈને પોલીસ દ્વારા સુઓમોટો ગુનો દાખલ કરવામાં આવે તે માટે અરજી કરવામાં આવશે. તેમના મત મુજબ આવી પ્રવૃત્તિઓ સમાજમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે છે અને લોકોને ગેરમાર્ગે દોરી શકે છે.
તેમણે દાવો કર્યો હતો કે સમગ્ર ઘટના પૂર્વનિયોજિત અને સર્જિત હોવાનું વિવિધ વીડિયો પરથી સ્પષ્ટ થતું હોવાનું જણાઈ રહ્યું છે. સાથે જ કાર્યક્રમ દરમિયાન પત્રકારો પર કહેવાતી ભૂત-પ્રેત અથવા ચૂડેલ દ્વારા હુમલો થયાના દાવાઓને પણ તેમણે નિંદનીય ગણાવ્યા હતા.
પુરુષોત્તમ પીપળિયાએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે સત્ય બહાર આવે તે માટે સઘન તપાસ થવી જોઈએ. તેમણે બાબા બાગેશ્વરના કાર્યક્રમના આયોજકો સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ નિવેદન બાદ બાબા બાગેશ્વરના દરબારને લઈને શરૂ થયેલો વિવાદ વધુ ગરમાયો છે અને સમગ્ર મુદ્દે વિવિધ સંગઠનો તથા સામાજિક આગેવાનોના પ્રતિસાદ સામે આવી રહ્યા છે.









