અમદાવાદ: ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયા સરકાર સ્ટુડન્ટ વિઝા સાથે સ્પાઉસ અને બાળકોને ડિપેન્ડન્ટ તરીકે લઈ જવાની સુવિધા પર નિયંત્રણ લાવવાની તૈયારી કરી રહી છે.
ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન મંત્રી ટોની બર્કે 17 સપ્ટેમ્બરે આ અંગે જાહેરાત કરી હતી. જોકે, જાહેરાત બાદ હજુ તેના અંતિમ નિયમો તૈયાર થવાના બાકી છે. આગામી સમયમાં નવા નિયમોને સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવી શકે છે.
હાલમાં કેટલાક માસ્ટર ડિગ્રી સહિતના અભ્યાસક્રમો માટે ઓસ્ટ્રેલિયા જતા વિદ્યાર્થીઓ પોતાના જીવનસાથી અને બાળકોને ડિપેન્ડન્ટ વિઝા મારફતે સાથે લઈ જઈ શકે છે. નવા નિયમો લાગુ થયા બાદ નવા અરજદારો માટે આ સુવિધા મર્યાદિત થઈ શકે છે.
અહેવાલ મુજબ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ આશરે 3.37 લાખ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા મંજૂર કર્યા હતા, જેમાં લગભગ 45 હજાર ડિપેન્ડન્ટ વિઝા હતા. સરકારનો હેતુ ડિપેન્ડન્ટ અરજીઓનું પ્રમાણ ઘટાડીને જિનીયુન વિદ્યાર્થીઓ માટે વધુ તક ઊભી કરવાનો હોવાનું જણાવાયું છે.
નવા નિયમોની અસર ખાસ કરીને એવા પરિણીત વિદ્યાર્થીઓ પર પડી શકે છે, જેઓ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જઈને પોતાના જીવનસાથી અથવા બાળકોને પણ સાથે લઈ જવા ઇચ્છે છે. નવા નિયમો લાગુ થયા બાદ તેમને અલગ વ્યવસ્થા હેઠળ અરજી કરવી પડી શકે છે.
હાલમાં ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને ત્યાં પહેલેથી જ સ્પાઉસ સાથે રહેતા લોકોને આ ફેરફારથી સીધી અસર નહીં થાય તેવી માહિતી છે. જોકે, નવી વિઝા અરજીઓ અને અભ્યાસ દરમિયાન કોર્સ બદલવા અંગેના નિયમોમાં પણ વધુ કડકાઈ લાવવાની શક્યતા છે.









