અમેરિકા-યુરોપની તર્જ પર ઓટોમેટેડ ટેકનોલોજીથી મેન્ટેનન્સ, ખાડાથી થતા અકસ્માતો ઘટાડવાનો પ્રયાસ
દેશના 1.46 લાખ કિલોમીટરથી વધુના નેશનલ હાઈવે નેટવર્કના મેન્ટેનન્સમાં હવે મોટો ટેકનોલોજીકલ બદલાવ આવી રહ્યો છે. અત્યાર સુધી ખાડા અને રસ્તાની નાની-મોટી ખામીઓનું સમારકામ શ્રમિકો દ્વારા પરંપરાગત સાધનોની મદદથી કરવામાં આવતું હતું, પરંતુ હવે મશીન આધારિત અને ઓટોમેટેડ ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવશે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા Performance-Based Maintenance Contract (PBMC) હેઠળ હાઈવેના મેન્ટેનન્સ માટે આધુનિક મશીનોના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમાં ઓટોમેટિક પોથોલ ફિલિંગ, કોમ્પેક્ટિંગ અને પેચિંગ જેવી કામગીરી માટે ખાસ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.
ખાડા ‘સાયલન્ટ કિલર’ સમાન
હાઈવે પરના ખાડા વાહનચાલકો માટે ગંભીર જોખમ બની શકે છે. ખાસ કરીને વધુ ઝડપે દોડતા વાહનને અચાનક ખાડો મળતા સંતુલન ગુમાવવાની અને અકસ્માત થવાની શક્યતા રહે છે. તેથી સમયસર અને ટકાઉ મરામતને રોડ સેફ્ટી સાથે સીધી રીતે જોડવામાં આવી રહી છે.
નવી મશીનરીના ઉપયોગથી ખાડા પૂરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની સાથે મરામતની ગુણવત્તા અને ટકાઉપણું સુધારવાનો હેતુ છે. મશીન આધારિત કામગીરીથી મજૂરી પરની નિર્ભરતા ઘટાડીને હાઈવે મેન્ટેનન્સને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવશે.
મેન્ટેનન્સમાં ટેકનોલોજીનો વધતો ઉપયોગ
NHAI દ્વારા હાઈવેની સ્થિતિનું સતત મોનિટરિંગ, ખામીઓની વહેલી ઓળખ અને સમયસર મરામત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આવનારા સમયમાં રસ્તામાં ખામી ગંભીર બને તે પહેલાં તેની ઓળખ કરીને મેન્ટેનન્સ કરવાની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે.
આ બદલાવથી દેશના નેશનલ હાઈવેનું મેન્ટેનન્સ વધુ ઝડપી, મશીન આધારિત અને ટેકનોલોજી કેન્દ્રિત બનશે. સાથે જ વાહનચાલકોને સુરક્ષિત અને વધુ સારી સ્થિતિના રસ્તા ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે.








