રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર બાદ વિવાદ, ભૂત-પ્રેત કાઢવાના દાવાના વીડિયો વાયરલ

રાજકોટમાં યોજાયેલા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર બાદ વિવાદ ઊભો થયો છે. કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકો જાહેરમાં ધુણતા જોવા મળ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

વાયરલ વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર બાદ કેટલાક લોકો ભૂત-પ્રેતનો પ્રભાવ હોવાનું કહી ધુણતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એક મહિલા ધુણતા-ધુણતા આસપાસ હાજર લોકોને મારવા દોડી હોવાનું પણ વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

માહિતી મુજબ, ધૂણી રહેલી મહિલાએ પત્રકારો અને અન્ય લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ મહિલાને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે.

આ ઘટનાને લઈને જાહેરમાં અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. વિવિધ સામાજિક સંગઠનો અને આગેવાનો દ્વારા સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી રહી છે. કેટલાક લોકોનું માનવું છે કે આવી ઘટનાઓ સમાજમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી શકે છે.

વાયરલ થયેલા વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે. જોકે, ઘટનાને લઈને આયોજકો અથવા બાગેશ્વરધામ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

સમગ્ર મામલે હવે વહીવટી તંત્ર અને સંબંધિત એજન્સીઓ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Leave a Comment

Traffic Tail