લાહોરમાં ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી: 14 બાળકોના કરૂણ મોત, અનેક ઘાયલ

લાહોર: પાકિસ્તાનના લાહોર શહેરમાં મંગળવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. કાહના વિસ્તારની ઈદગાહ બસ્તીમાં આવેલી નિર્માણાધીન ઇમારતમાં ચાલતા ખાનગી ટ્યુશન સેન્ટરની છત અચાનક ધરાશાયી થતાં 14 બાળકોના કરૂણ મોત થયા હતા, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર, અકસ્માત સમયે 7થી 13 વર્ષની વયના વિદ્યાર્થીઓ વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા હતા. છત તૂટી પડતાં બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં કાટમાળમાંથી 20 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોમાં એક મહિલા શિક્ષિકાનો પણ સમાવેશ થાય છે.

લાહોરના કમિશનર મરિયમ ખાને 14 બાળકોના મોતની પુષ્ટિ કરી છે અને સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટ્યુશન સેન્ટર જે ઇમારતમાં કાર્યરત હતું તેનો એક ભાગ હજુ બાંધકામ હેઠળ હતો.

લાહોરના ડીઆઈજી ઓપરેશન્સ ફૈઝલ કામરાને જણાવ્યું હતું કે, છત ધરાશાયી થઈ ત્યારે બાંધકામનું કામ પણ ચાલુ હતું અને મજૂરો સ્થળ પર હાજર હતા. આ મામલે બેદરકારીના આરોપસર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે લોકોની પણ અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

આ દુર્ઘટના પર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા અધિકારીઓને સૂચના આપી છે. પંજાબના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે પણ જવાબદાર લોકોની ઓળખ કરીને તેમની સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

Leave a Comment

Traffic Tail