વડોદરા: શહેરના ગારમેન્ટ વેપારી આશિષ બારોલીયા પર થયેલા ફાયરિંગ કેસમાં ઘટનાના ચાર દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તપાસનો વ્યાપ વધારી અનેક દિશામાં તપાસ શરૂ કરી છે, તેમ છતાં શૂટરો અંગે હજુ સુધી કોઈ ચોક્કસ સફળતા મળી નથી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલો કરનાર શૂટરોએ ફાયરિંગ પહેલાં બે દિવસ સુધી વેપારીની હિલચાલ પર નજર રાખી હતી અને તેમની રેકી કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે શહેરભરના 30 જેટલા સ્થળોના CCTV ફૂટેજ તપાસ્યા છે, જેમાં શૂટરોની હિલચાલ કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ દરમિયાન વાઘોડિયા રોડ, પ્રતાપનગર અને રેલવે સ્ટેશન વિસ્તાર સહિત અનેક સ્થળોએ આરોપીઓની અવરજવર નોંધાઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ ઉપરાંત પરિવાર ચાર રસ્તા વિસ્તાર સહિત શહેરની 50થી વધુ હોટેલોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે અત્યાર સુધીમાં 200થી વધુ CCTV ફૂટેજનું વિશ્લેષણ કર્યું છે તેમજ અનેક શંકાસ્પદ મોબાઇલ નંબરની ટેક્નિકલ તપાસ પણ શરૂ કરી છે. આરોપીઓ સુધી પહોંચવા માટે સર્વેલન્સ, ટેક્નિકલ એનાલિસિસ અને અન્ય ગુનાશોધક ટીમો સતત કામગીરી કરી રહી છે.
પોલીસનું કહેવું છે કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.









