હળવદ: મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને હવે વ્યાપક સમર્થન મળવા લાગ્યું છે. હળવદ તાલુકાના 22 જેટલા ગામોના ખેડૂતો મંગળવારે મામલતદાર કચેરીએ પહોંચીને આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું અને ઉપવાસ પર બેઠેલા ખેડૂતોની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવી પારણા કરાવવાની માંગ કરી હતી.
રજુઆત દરમિયાન ખેડૂતોને સમજાવવા જિલ્લા ભાજપના આગેવાનો પણ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. જોકે ખેડૂતોનો આક્રોશ યથાવત રહ્યો હતો અને તેમણે પોતાની માંગણીઓને લઈને આગેવાનો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.
જેતપર ગામે છેલ્લા 14 દિવસથી ખાનગી વીજ કંપની દ્વારા ઉભા કરાયેલા વીજ પોલના વળતર મુદ્દે ખેડૂતો આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. હાલમાં મહિલાઓ સહિત નવ ખેડૂતો ઉપવાસ પર બેઠા હોવાનું જાણવા મળ્યું છે.
ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓએ બેઠક યોજી હતી. બેઠક બાદ વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલે જાહેરાત કરી હતી કે બુધવારે હળવદ માર્કેટ યાર્ડ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે અને વેપારીઓ દ્વારા કાર તથા બાઇક રેલી કાઢી જેતપર પહોંચી ખેડૂતોના આંદોલનને સમર્થન આપવામાં આવશે.
ખેડૂતોનો આક્ષેપ છે કે એક તરફ આંદોલન ચાલી રહ્યું છે, જ્યારે બીજી તરફ પોલીસની હાજરીમાં ખેતરોમાં બળજબરીથી કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત ખેડૂતો પાસેથી જમીનના 7/12ના દસ્તાવેજોની માંગણી કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મામલતદાર કચેરી ખાતે જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે, હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી તથા જિલ્લા પંચાયતના ચેરમેન ધર્મેન્દ્ર એરવાડિયા સહિતના આગેવાનો ખેડૂતોને સમજાવવા પહોંચ્યા હતા. તેમણે સરકાર ખેડૂતોની સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ ખેડૂતો પોતાની માંગણીઓના તાત્કાલિક નિરાકરણ પર અડગ રહ્યા હતા.
વેપારીઓએ પણ ચેતવણી આપી છે કે જો ખેડૂતોના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં હળવદ માર્કેટ યાર્ડ ઉપરાંત શહેર બંધ રાખવા જેવા કાર્યક્રમો પણ જાહેર કરવામાં આવી શકે છે.









