જૂનાગઢ: ગિરનાર વિસ્તારમાં બાળક પર જીવલેણ હુમલો કરનાર સિંહણને વન વિભાગે સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ પકડી પાડી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને તાબડતોબ કાર્યવાહી કરીને સિંહણને કાબૂમાં લેવામાં આવી હતી.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેસ્ક્યુ દરમિયાન સિંહણની ઉલટીમાંથી માનવ શરીરના અંગો મળ્યા હોવાની માહિતી સામે આવી છે. આ મુદ્દે જરૂરી વૈજ્ઞાનિક તપાસ માટે નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે અને ફોરેન્સિક તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
બાળક પર હુમલાની ઘટના બાદ વન વિભાગની વિશેષ ટીમોએ ઘટનાસ્થળ અને આસપાસના જંગલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી શોધખોળ બાદ સિંહણને સફળતાપૂર્વક પાંજરે પુરવામાં આવી હતી.
હાલ સિંહણને વધુ આરોગ્ય તપાસ, વર્તનના અભ્યાસ અને સતત દેખરેખ માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી છે. વન વિભાગ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યો છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા જરૂરી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.









