રાજકોટમાં મનપાની ફૂડ શાખાનો મેગા ચેકિંગ ડ્રાઇવ: વાસી ખોરાક મળતાં મીઠાઈની દુકાન સીલ, 218 કિલો અખાદ્ય જથ્થો નાશ

રાજકોટ: શહેરમાં ભેળસેળયુક્ત અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો સામે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. શહેરની હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઈની દુકાનો અને ડેરી સહિત કુલ 66 ફૂડ પેઢીઓમાં તપાસ દરમિયાન મોટી સંખ્યામાં અનિયમિતતાઓ સામે આવતા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન એસ્ટ્રોન ચોક નજીક આવેલી વિરમણી સ્વીટ એન્ડ નમકીનમાં વાસી અને અખાદ્ય ખાદ્ય સામગ્રી મળી આવતાં મનપાએ દુકાનને તાત્કાલિક સીલ કરી દીધી હતી. ઉપરાંત ફૂડ સેફ્ટીના નિયમોના ભંગ બદલ સંચાલકને રૂ.10 હજારનો વહીવટી દંડ ફટકારવામાં આવ્યો હતો.

અભિયાન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 218 કિલો અખાદ્ય, વાસી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ શાખાની ટીમે અનેક સ્થળોએ સ્વચ્છતા, સ્ટોરેજ, લાઇસન્સ અને ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોની પણ ચકાસણી કરી હતી.

મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરમાં લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. ભેળસેળયુક્ત અથવા અખાદ્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનાર વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ સઘન તપાસ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Leave a Comment

Traffic Tail