રાજકોટ: ભીમ અગિયારસ બાદ શહેરમાં ફરી સક્રિય બનેલા જુગારના અખાડાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. માલવિયાનગર અને ગાંધીગ્રામ પોલીસ દ્વારા અલગ-અલગ સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં કુલ 7 મહિલા સહિત 18 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ. 49,800ની રોકડ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, માલવિયાનગર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મવડી પ્લોટ વિસ્તારના વિનાયકનગર સ્થિત એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાં જુગાર રમતા 7 મહિલા સહિત 14 વ્યક્તિઓ ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 33,600ની રોકડ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી તરફ ગાંધીગ્રામ પોલીસને ગાંધીગ્રામ શેરી નં. 8માં આવેલા એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી 4 શખ્સોને રૂ. 16,200ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે રોકડ જપ્ત કરીને તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
શહેર પોલીસના જણાવ્યા મુજબ, તહેવારોના સમયગાળા દરમિયાન ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં પણ આવા અડ્ડાઓ સામે સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી યથાવત રહેશે.









