ગુજરાત માટે રાહતના સમાચાર: સરદાર સરોવર ડેમમાં પાણીની સતત આવક, જળસપાટી 126.43 મીટરે પહોંચી

ગાંધીનગર: રાજ્ય માટે રાહતના સમાચાર વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવકને કારણે જળસપાટીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં સારો વરસાદ થતાં ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે રાજ્યના જળસંગ્રહમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.

સત્તાવાર માહિતી મુજબ, હાલમાં સરદાર સરોવર ડેમમાં 50,616 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળસપાટીમાં 24 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે.

હાલ સરદાર સરોવર ડેમની જળસપાટી 126.43 મીટર સુધી પહોંચી છે, જ્યારે ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 65 ટકા સુધી ભરાઈ ગયો છે.

ડેમમાં પાણીની સતત આવકને પગલે રાજ્યમાં પીવાના પાણી, સિંચાઈ તેમજ ઔદ્યોગિક જરૂરિયાતો માટે પાણીની ઉપલબ્ધિ વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ યથાવત રહેશે તો આગામી દિવસોમાં ડેમની જળસપાટીમાં વધુ વધારો થવાની સંભાવના છે.

Leave a Comment

Traffic Tail