અંજાર: પૂર્વ કચ્છ SOGએ નશીલા પદાર્થો સામેની કાર્યવાહીમાં વધુ એક સફળતા મેળવી છે. અંજાર વિસ્તારમાં બાઈક પર આવેલા એક યુવકને ઝડપી પાડી તેની પાસેથી હાઈબ્રિડ ગાંજો અને ચરસ સહિત રૂ.77 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે ગોઠવાયેલા વોચ દરમિયાન શંકાસ્પદ યુવકને અટકાવી તપાસ કરતાં તેની પાસેથી હાઈબ્રિડ ગાંજો અને ચરસ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી નશીલા પદાર્થો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન આ ગુનામાં અન્ય એક શખ્સની સંડોવણી પણ સામે આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. તેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પૂર્વ કચ્છ SOGએ બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી નશીલા પદાર્થોના સ્ત્રોત અને સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ હાથ ધરી છે.









