ગાંધીનગર: રાજ્યમાં ચોમાસું સક્રિય બનતાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 164 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલામાં 10.79 ઇંચ નોંધાયો છે. ત્યારબાદ ધારીમાં 9.21 ઇંચ અને ખાંભામાં 6.81 ઇંચ વરસાદ નોંધાયો છે.
અન્ય નોંધપાત્ર વરસાદમાં ડાંગ જિલ્લાના સુબિરમાં 5.16 ઇંચ, સાવરકુંડલામાં 5.04 ઇંચ, જાફરાબાદમાં 4.92 ઇંચ, ડાંગ તાલુકામાં 4.57 ઇંચ, સાબરકાંઠાના વિજયનગરમાં 4.49 ઇંચ તેમજ અમરેલીના બગસરામાં 4.29 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેતી રાખવા અને નીચાણવાળા તેમજ નદી-નાળાના વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.









