નક્કી લેકથી સનસેટ પોઇન્ટ સુધી મનમોહક નજારો; ઠંડા પવન અને ધુમ્મસે હિલ સ્ટેશનને બનાવ્યું સ્વર્ગ સમાન
માઉન્ટ આબુ: ગુજરાતની સરહદે આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી બાદ કુદરતનો અદભૂત નજારો સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં અંદાજે ત્રણ ઇંચ વરસાદ નોંધાતા સમગ્ર પર્વતીય વિસ્તાર હરિયાળો બની ગયો છે અને ઠંડકભર્યા વાતાવરણનો આનંદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
વરસાદ બાદ નક્કી લેક, ટોડ રોક, હનીમૂન પોઇન્ટ અને સનસેટ પોઇન્ટ સહિતના તમામ મુખ્ય પ્રવાસન સ્થળોએ ભારે ચહલપહલ જોવા મળી રહી છે. વરસાદી માહોલ વચ્ચે નક્કી લેકમાં બોટિંગનો રોમાંચ માણવા પ્રવાસીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગાઢ ધુમ્મસ, નીચા ઉતરી આવેલા વાદળો અને ઠંડા પવનના કારણે સમગ્ર માઉન્ટ આબુનું વાતાવરણ કાશ્મીર જેવી અનુભૂતિ કરાવી રહ્યું છે. અનેક સ્થળોએ દૃશ્યતા ઘટી જતાં વાદળો પર્વતોને આલિંગન કરતા હોય તેવો અદભૂત નજારો જોવા મળ્યો હતો.
વરસાદી સિઝન જામતાં સ્થાનિક હોટલો, રેસ્ટોરન્ટ અને વેપારધંધામાં પણ તેજી આવી છે. ચોમાસાની આ મનોહર ઋતુએ માઉન્ટ આબુને ફરી એકવાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવી દીધું છે.









