આસામમાં 87 અને કેરળમાં 15નાં મોત; લાખો લોકો પૂરથી પ્રભાવિત, રાહત કામગીરી તેજ
ગૌહાટી/તિરુવનંતપુરમ: દેશના પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર બની રહી છે. આસામ અને કેરળમાં વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 102 લોકોનાં મોત થયા છે, જ્યારે લાખો લોકો અસરગ્રસ્ત બન્યા છે.
આસામમાં વધુ બે લોકોનાં મોત થતાં મૃત્યુઆંક 87 પર પહોંચી ગયો છે. રાજ્યના સાત જિલ્લાઓમાં 1.28 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. રાજ્ય સરકારે સૌથી વધુ અસરગ્રસ્ત 75 હજારથી વધુ પરિવારો માટે આશરે રૂ.160 કરોડની વચગાળાની રાહત જાહેર કરી છે. નુકસાનગ્રસ્ત પરિવારોને પ્રથમ તબક્કે રૂ.15 હજારની સહાય આપવામાં આવી રહી છે.
કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 15 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં 165 હેક્ટરથી વધુ ખેતીલાયક જમીનને નુકસાન પહોંચતાં 3,596 ખેડૂતો અસરગ્રસ્ત બન્યા છે. રાજ્ય સરકારે પાક નુકસાનના વળતરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
બંને રાજ્યોમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.









