BRICS-2026માં Aurus Senat અને Hongqi N701નું ખાસ આકર્ષણ : સુરક્ષા, ટેક્નોલોજી અને રશિયા-ચીનની સ્વદેશી તાકાતનો દેખાવ
નવી દિલ્હી : BRICS-2026 સમિટ માટે વિશ્વના અનેક શક્તિશાળી નેતાઓ દિલ્હી પહોંચ્યા છે ત્યારે નેતાઓની સુરક્ષા વ્યવસ્થા સાથે તેમની ખાસ કારો પણ ચર્ચામાં આવી છે. ખાસ કરીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનની Aurus Senat અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની Hongqi N701 કાર લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
પુતિનની Aurus Senatને અત્યાધુનિક સુરક્ષા સુવિધાઓથી સજ્જ લક્ઝરી લિમોઝિન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં 4.4 લિટર ટ્વિન-ટર્બો V8 હાઇબ્રિડ એન્જિન છે, જે 598 હોર્સપાવર અને 880 Nm ટોર્ક જનરેટ કરે છે. 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે કાર 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ લગભગ 6 સેકન્ડમાં પકડી શકે છે.
ગોળીબાર અને વિસ્ફોટ સામે સુરક્ષા
Aurus Senatમાં બુલેટપ્રૂફ મલ્ટી-લેયર ગ્લાસ અને ખાસ રન-ફ્લેટ ટાયર આપવામાં આવ્યા છે. કારની સુરક્ષા વ્યવસ્થા ભારે ગોળીબાર અને વિસ્ફોટ જેવા જોખમોમાં રાષ્ટ્રપતિને સુરક્ષિત રાખવા માટે તૈયાર કરવામાં આવી છે.
કારમાં ઇમરજન્સી સ્થિતિ માટે અલગ એર-ફિલ્ટરેશન સિસ્ટમ, મજબૂત ફ્યુઅલ ટેન્ક, ઇમરજન્સી એક્ઝિટ અને આગ સામે રક્ષણ આપતી વ્યવસ્થા પણ હોવાનું જણાવાય છે.
રશિયાની ‘રોલ્સ-રોયસ’ને ટક્કર આપતી કાર
Aurus Senatનો સિવિલિયન મોડલ પણ મર્યાદિત સંખ્યામાં વેચાય છે. તેની કિંમત આશરે 1.8 કરોડ રૂબલ એટલે કે લગભગ રૂ.2.5 કરોડ હોવાનું જણાવાય છે. રશિયા માટે આ કાર માત્ર રાષ્ટ્રપતિની સવારી નહીં, પરંતુ પોતાની સ્વદેશી ઓટોમોબાઇલ ટેક્નોલોજી અને લક્ઝરી કાર બનાવવાની ક્ષમતાનું પ્રદર્શન પણ છે.
‘ચાલતો-ફરતો કિલ્લો’ કેમ કહેવાય છે?
પુતિન વિદેશ પ્રવાસે જાય ત્યારે તેમની ખાસ Aurus Senat પણ સુરક્ષા કાફલા સાથે લઈ જવાય છે. અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થાઓને કારણે આ કારને ઘણી વખત ‘ચાલતો-ફરતો કિલ્લો’ કહેવામાં આવે છે.
Aurus Senatને રશિયાના ‘કોર્ટે જ’ (Kortezh) પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવી હતી અને 2018માં તેને રજૂ કરવામાં આવી હતી. તેની ડિઝાઇનમાં સોવિયત યુગની પ્રસિદ્ધ ZIS-110 લિમોઝિનની છાપ પણ જોવા મળે છે.









