સ્ટ્રેચર બેડ નીચે બનાવ્યું હતું ખાસ ગુપ્ત ખાનુ : 1,968 બોટલ વિદેશી દારૂ સાથે રૂ.10.66 લાખનો મુદ્દામાલ કબજે
બાબરા : પોલીસની નજરથી બચવા બુટલેગરે દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સનો જ સહારો લીધો, પરંતુ બાબરા પોલીસે તેનો ખેલ નિષ્ફળ બનાવી દીધો. રાજકોટ-ભાવનગર હાઇવે પર બાતમીના આધારે પોલીસે એમ્બ્યુલન્સ અટકાવી તપાસ કરતાં સ્ટ્રેચર બેડની નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી 1,968 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ ગોંડલના વોરા કોટડા રોડ, જેલ સામેના આવાસ ક્વાર્ટરમાં રહેતો સાગરભાઇ ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ (34) એમ્બ્યુલન્સ ડ્રાઇવર છે. તા.11ના રોજ સાંજે આશરે 6:15 વાગ્યે તે એમ્બ્યુલન્સ નં. GJ-05-AV-5525 લઈને રાજકોટ-ભાવનગર હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો.
બાબરા નજીક આંબલીધાર બાદ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપથી આગળ ઉંટવડ ગામની સીમમાં પહોંચતા પોલીસે બાતમીના આધારે એમ્બ્યુલન્સને રોકી હતી. તપાસ દરમિયાન ડ્રાઇવર સીટની પાછળ આવેલા સ્ટ્રેચર બેડની નીચે ગુપ્ત રીતે બનાવેલું ખાનુ મળી આવ્યું હતું.
1,968 બોટલ દારૂ ઝડપાયો
ગુપ્ત ખાનામાંથી 180 મિ.લી.ની એક બ્રાન્ડની 672 બોટલ કિંમત રૂ.1,35,072 અને બીજી બ્રાન્ડની 1,296 બોટલ કિંમત રૂ.2,21,616 મળી આવી હતી. આમ કુલ 1,968 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત રૂ.3,56,688 થાય છે, પોલીસે કબજે કર્યો હતો.
દારૂની સાથે પોલીસે રૂ.7 લાખની એમ્બ્યુલન્સ અને રૂ.10 હજારનો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો હતો. આમ કુલ રૂ.10,66,688નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
એમ્બ્યુલન્સ જોઈ પોલીસને પણ શંકા ન જાય એવો પ્લાન
દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા વાહનને દારૂની હેરાફેરી માટે વાપરવાની આ મોડસ ઓપરેન્ડી સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સ્ટ્રેચર બેડની નીચે ગુપ્ત ખાનુ બનાવી દારૂ સંતાડવામાં આવ્યો હતો, જેથી સામાન્ય તપાસમાં જથ્થો ઝડપાય નહીં.
બાબરા પોલીસે આરોપી સાગરભાઇ ઉર્ફે લાલો સામે પ્રોહિબિશન હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને સમગ્ર હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









