ભારત મંડપમમાં વિશ્વના નેતાઓનો જમાવડો

BRICS શિખર પરિષદનો ભવ્ય પ્રારંભ : મોદીએ પુતિન-જિનપિંગ સહિત 26 દેશોના રાષ્ટ્રવડાઓનું કર્યું સ્વાગત

નવી દિલ્હી : ભારત મંડપમમાં આજથી બે દિવસીય BRICS શિખર પરિષદનો પ્રારંભ થતાં જ દિલ્હીમાં વિશ્વના અનેક શક્તિશાળી દેશોના નેતાઓનો જમાવડો જોવા મળ્યો છે. પરિષદમાં 26 દેશોના રાષ્ટ્રવડા અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

બપોરે 3:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત ઇન્ડોનેશિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) તથા અન્ય દેશોના રાષ્ટ્રવડાઓનું ભારત મંડપમ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

પરિષદના પ્રારંભિક સંબોધનમાં વડાપ્રધાન મોદીએ બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ગ્લોબલ સાઉથનો અવાજ વધુ મજબૂત બને તે માટે સંયુક્ત પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વિકાસશીલ દેશોના હિતો અને વૈશ્વિક પડકારો અંગે BRICSની ભૂમિકા વધુ અસરકારક બને તે દિશામાં પણ ચર્ચા થવાની છે.

BRICS બેઠક દરમિયાન વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા અને પરસ્પર સહકાર સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ ઉપરાંત આજે સાંજે વિવિધ દેશોના રાષ્ટ્રવડાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકોનો દોર પણ શરૂ થશે.

એક જ મંચ પર ભારત, રશિયા, ચીન સહિત અનેક દેશોના નેતાઓની હાજરીને કારણે BRICS શિખર પરિષદ પર સમગ્ર વિશ્વની નજર મંડાઈ છે.

Leave a Comment

Traffic Tail