સાબરકાંઠા: રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા સતત વધી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા વધુ એક બાળકનું સારવાર દરમિયાન મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, રાજસ્થાનની સરહદને અડીને આવેલા પોશીના તાલુકા વિસ્તારની એક બાળકીની તબિયત ગંભીર બનતા તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બે દિવસ સુધી સારવાર આપ્યા બાદ બાળકીનું મોત નિપજ્યું હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે.
બાળકીમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં જરૂરી સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આસપાસના વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી પણ તેજ કરવામાં આવી છે.
બીજી તરફ મહેસાણા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સંભવિત સંક્રમણને ધ્યાનમાં રાખી દર્દીની સારવાર સાથે જરૂરી તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
આરોગ્ય વિભાગે લોકોને બાળકોમાં તાવ, ઉલ્ટી, બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સંસ્થામાં સારવાર લેવા અપીલ કરી છે. સાથે જ મચ્છર અને જીવાતોના પ્રજનનને રોકવા માટે સ્વચ્છતા જાળવવાની પણ સૂચના આપવામાં આવી છે.









