મહત્વના હોદ્દા સંભાળતા અધિકારીઓના નિર્ણયથી વહીવટી તંત્રમાં ચર્ચા, વિવિધ વિભાગોના અધિકારીઓએ VRS માટે અરજી કરી
વડોદરા: વડોદરા મહાનગરપાલિકામાં એકસાથે પાંચ અધિકારીઓએ રાજીનામું આપી સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેવાનો નિર્ણય કરતાં વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કોર્પોરેશનના વિવિધ મહત્વના હોદ્દાઓ પર ફરજ બજાવતા અધિકારીઓના આ સામૂહિક નિર્ણયને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
મળતી માહિતી મુજબ, પાંચેય અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી છે. એકસાથે અનેક અધિકારીઓના રાજીનામાથી પાલિકાના વહીવટી કામકાજ પર પણ તેની અસર પડી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.
સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરનારા અધિકારીઓમાં સામાન્ય વહીવટ વિભાગના ખાતાકીય વડા દેવાંગ ભટ્ટ, રેવન્યુ ઓફિસર મનોજ ક્રિશ્ચિયન, વોર્ડ નં. 17ના વોર્ડ ઓફિસર મહેશ પટેલ, વોર્ડ નં. 18ના રેવન્યુ ઓફિસર પ્રકાશ પરમાર તેમજ વોર્ડ નં. 16ના વોર્ડ ઓફિસર અને રેવન્યુ ઓફિસર પરાગ મોદીનો સમાવેશ થાય છે.
એકસાથે પાંચ અધિકારીઓના રાજીનામા બાદ મહાનગરપાલિકાના વહીવટી વર્તુળોમાં અનેક અટકળો ચાલી રહી છે. જોકે, અધિકારીઓ દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાના ચોક્કસ કારણો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
હાલ પાલિકા તંત્ર દ્વારા અધિકારીઓની અરજીઓ અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ સ્પષ્ટતા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.









