બે આરોપીની ધરપકડ; દારૂ, ત્રણ કાર અને ચાર મોબાઇલ સહિત રૂ.67 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કચ્છ: પશ્ચિમ કચ્છ એલસીબી (LCB)એ મુન્દ્રા નજીક ગેરકાયદે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે દારૂ, ત્રણ કાર અને ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૂ.67 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુન્દ્રા નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ.22 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેને કબજે કરી પોલીસે સ્થળ પરથી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે દારૂ ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ત્રણ કાર તેમજ ચાર મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ.67 લાખ હોવાનું જણાવાયું છે.
આ સમગ્ર મામલે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના સુધી પહોંચાડવાનો હતો તે દિશામાં પણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.









