ફાસ્ટેગમાં હવે બેન્ક બદલવી સરળ, નવો ટેગ લેવાની જરૂર નહીં

રાજમાર્ગ યાત્રા એપ પર ‘વન ટેગ’ સુવિધા શરૂ; એક બેન્કમાંથી બીજી બેન્કમાં ફાસ્ટેગ ટ્રાન્સફર કરી શકાશે

વાહનચાલકો માટે ફાસ્ટેગને લઈને મહત્વની સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે વાહન માલિકે નવો ફાસ્ટેગ ખરીદ્યા વિના હાલના ફાસ્ટેગ સાથે જોડાયેલી બેન્ક બદલી શકાશે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા ‘વન ટેગ’ બેન્ક પોર્ટેબિલિટી સુવિધા રાજમાર્ગ યાત્રા એપ પર શરૂ કરવામાં આવી છે.

આ સુવિધા હેઠળ વાહન પર પહેલેથી લગાવેલો ફાસ્ટેગ જ નવી બેન્ક સાથે ઉપયોગ કરી શકાશે. બેન્ક બદલવા માટે વાહન માલિકે રાજમાર્ગ યાત્રા એપમાં લોગિન કરીને વાહનનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ ફાસ્ટેગ પોર્ટેબિલિટી માટે વાહન પાત્ર છે કે નહીં તેની ચકાસણી કરી શકાશે.

પાત્રતા મળ્યા બાદ હાલની બેન્ક પાસેથી 6 આંકડાનો મોબાઇલ વેરિફિકેશન કોડ (MVC) મેળવવાનો રહેશે. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ નવી બેન્ક પસંદ કરી શકાશે. ત્યારબાદ નવી બેન્ક દ્વારા ગ્રાહકનું વેરિફિકેશન અને ફાસ્ટેગ એકાઉન્ટ સક્રિય કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

એકવાર બેન્ક બદલ્યા બાદ ફરી અન્ય બેન્કમાં ફાસ્ટેગ પોર્ટ કરવા માટે 6 મહિનાનો સમયગાળો ફરજિયાત રહેશે. એટલે કે બેન્ક બદલ્યા બાદ 6 મહિના સુધી ફરી બેન્ક બદલવાની સુવિધા ઉપલબ્ધ નહીં થાય.

બેન્ક બદલ્યા બાદ પણ વાહનની વિન્ડસ્ક્રીન પર લાગેલો ફાસ્ટેગ બદલવાની જરૂર નહીં પડે. ફાસ્ટેગનો નંબર અને તેની ઓળખ યથાવત રહેશે અને એ જ ટેગ નવી બેન્ક સાથે ચાલુ રાખી શકાશે.

Leave a Comment

Traffic Tail