બ્રેથ એનેલાઈઝર ટેસ્ટમાં 35 મિનિટનો વિલંબ, એર ઈન્ડિયા એક્સપ્રેસના 8 ક્રુ મેમ્બર સસ્પેન્ડ

દુબઈ-અમૃતસર ફ્લાઈટ બાદ ફરજિયાત પ્રક્રિયા સમયસર પૂર્ણ ન કરી; તમામ ક્રુના ટેસ્ટ નેગેટિવ આવ્યા

2 ઓગસ્ટ 2026ના રોજ દુબઈથી અમૃતસર આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના 8 ક્રુ મેમ્બરોને ફરજિયાત બ્રેથ એનેલાઈઝર ટેસ્ટની પ્રક્રિયામાં વિલંબ બદલ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વિમાનન નિયમો મુજબ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પૂર્ણ થયા બાદ ક્રુ મેમ્બરે બે કલાકની અંદર પોસ્ટ-ફ્લાઈટ ડેકલેરેશન જમા કરાવવાનું હોય છે. જોકે, આ કિસ્સામાં ફરજિયાત પ્રક્રિયા 35 મિનિટ મોડી પૂર્ણ થઈ હતી. ત્યારબાદ એરલાઈનના સુરક્ષા પ્રોટોકોલ મુજબ તમામ ક્રુ મેમ્બરોના બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આ ટેસ્ટનો હેતુ ક્રુ મેમ્બરો દ્વારા નશાકારક અથવા સાઈકોએક્ટિવ પદાર્થોના સેવનની તપાસ કરવાનો હતો. જોકે, તમામ 8 સભ્યોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કોઈએ નશાકારક પદાર્થનું સેવન કર્યું હોવાનું સામે આવ્યું નહોતું.

ટેસ્ટના પરિણામ નેગેટિવ હોવા છતાં ફરજિયાત પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ ન કરવા બદલ એરલાઈન દ્વારા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. નિયમોના પાલનમાં થયેલા વિલંબને પગલે તમામ 8 ક્રુ મેમ્બરોને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Leave a Comment

Traffic Tail