અમેરિકામાં F-16 ફાઈટર જેટ ક્રેશ, પાયલટે સમયસર ઈજેક્શન કરી જીવ બચાવ્યો

ટ્રેનિંગ મિશન દરમિયાન મિશિગનમાં દુર્ઘટના; હાઈડ્રાજિન લીકેજના ભયથી આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો

અમેરિકાના મિશિગન રાજ્યમાં ગુરુવારે ટ્રેનિંગ મિશન દરમિયાન અમેરિકન વાયુસેનાનું F-16 ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં સવાર પાયલટે ક્રેશ પહેલાં જ ઈજેક્શન કરી પેરાશૂટની મદદથી સુરક્ષિત રીતે નીચે ઉતર્યા હતા. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ દુર્ઘટના ગ્રાન્ડ ટ્રેવર્સ કાઉન્ટીના બ્લેયર ટાઉનશિપ નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં બની હતી. F-16 ટેક્સાસ એર નેશનલ ગાર્ડની 149મી ફાઈટર વિંગ સાથે જોડાયેલું હતું અને મિશિગનમાં ચાલી રહેલા નિયમિત ટ્રેનિંગ મિશનનો ભાગ હતું.

વિમાન જમીન પર તૂટી પડ્યા બાદ સુરક્ષાના કારણોસર આસપાસના વિસ્તારમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. F-16ની ઈમરજન્સી પાવર સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા ‘હાઈડ્રાજિન’ નામના ઝેરી રસાયણના લીકેજની આશંકાને પગલે લોકોને શરૂઆતમાં ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ ક્રેશ સ્થળની આસપાસના આશરે એક માઈલ વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો.

દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, એર ટ્રાફિક કંટ્રોલ સાથેની રેડિયો વાતચીતના આધારે વિમાન પક્ષી સાથે અથડાયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે સત્તાવાર તપાસ હાથ ધરવામાં આવી છે.

રાહત અને બચાવ ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. સદનસીબે જમીન પર અન્ય કોઈ વ્યક્તિના ઘાયલ થયાના અહેવાલ મળ્યા નથી.

Leave a Comment

Traffic Tail