ગોધરામાં સવા બે ઇંચ સાથે સૌથી વધુ વરસાદ; આગામી 2-3 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી
અમદાવાદ: એક સપ્તાહના વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં મહીસાગરના ગોધરામાં સવા બે ઇંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.
મધ્યપ્રદેશ પર સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ સક્રિય બની છે. આગામી 2થી 3 દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. ગુજરાત-મધ્યપ્રદેશ અને ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે.
આજે સવારથી અમદાવાદ, વડોદરા, મહીસાગર, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, નવસારી અને દાહોદ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. બાલાસિનોરમાં 1.30 ઇંચ, ગોધરામાં 1.26 ઇંચ અને દેહગામમાં 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 70.60 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 97.36 ટકા, મધ્ય ગુજરાતમાં 68.10 ટકા, સૌરાષ્ટ્રમાં 54.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.65 ટકા અને કચ્છમાં 29.05 ટકા વરસાદ નોંધાયો છે.
હજુ પણ રાજ્યના 10 તાલુકામાં પાંચ ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નવી સિસ્ટમ સર્જાય તો આવતા સપ્તાહે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ પણ આવી શકે છે.









