સોમનાથમાં 13 ઓગસ્ટથી 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ: 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ સહિત વિશેષ ધાર્મિક આયોજન

સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા. 13 ઓગસ્ટ 2026થી 11 સપ્ટેમ્બર 2026 સુધી 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન લાખો ભક્તો સોમનાથ દર્શને આવવાની સંભાવનાને પગલે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શન, પૂજા, ભોજન, પાર્કિંગ, સુરક્ષા અને યાત્રિક સુવિધાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વર્ષે પ્રથમ વખત સોમનાથ મંદિરમાં 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી અલગ-અલગ સ્લોટમાં યજ્ઞ યોજાશે. ભક્તો નિર્ધારિત ન્યોછાવર રકમ આપી યજ્ઞમાં યજમાન બની શકશે.

શ્રાવણ દરમિયાન સોમનાથ મહાદેવને દરરોજ વિવિધ વિશિષ્ટ શૃંગાર કરવામાં આવશે. જેમાં સવાલક્ષ બિલ્વપત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ સહિતના ધાર્મિક આયોજનનો સમાવેશ થાય છે. શ્રાવણના ચાર સોમવાર ઉપરાંત પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના દિવસે પણ સોમનાથ મહાદેવની પાલખીયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવશે.

વધુમાં ભક્તો માટે Somnath.org મારફતે વિવિધ પૂજા, બિલ્વપૂજા, મહામૃત્યુંજય જાપ અને અન્ય ધાર્મિક વિધિઓનું ઓનલાઈન બુકિંગ કરી શકાશે. સોમનાથ આવી ન શકતા ભક્તો માટે ઓનલાઈન સંકલ્પ અને પૂજાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

વૃદ્ધો અને દિવ્યાંગ યાત્રિકો માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પાર્કિંગથી મંદિર સુધી નિઃશુલ્ક ટોય ટ્રેન, વ્હીલચેર, ગોલ્ફ કાર્ટ અને સહાયકોની વ્યવસ્થા કરવામાં આવશે. વૃદ્ધો તથા દિવ્યાંગોને દર્શનમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

શ્રાવણ દરમિયાન સોમનાથમાં **‘વંદે સોમનાથ કલા મહોત્સવ’**નું પણ આયોજન કરવામાં આવશે. શ્રાવણના દરેક સોમવારે જાણીતા કલાકારો દ્વારા નૃત્ય અને સંગીતના કાર્યક્રમો યોજાશે.

મંદિર પરિસરમાં પીવાના પાણીના પોઈન્ટ, વધારાનું ભોજન, પ્રસાદ, ક્લોકરૂમ અને જૂતા ઘર સહિતની સુવિધાઓ વધારવામાં આવી છે. ભક્તોની સુરક્ષા માટે પોલીસ અને SRPનો વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ફાયર સેફ્ટી અને ફર્સ્ટ એડની વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે.

શ્રાવણ દરમિયાન યાત્રિકોની સંખ્યા વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પાર્કિંગ વ્યવસ્થામાં વધારો તથા કેટલાક માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સમગ્ર માસ દરમિયાન સ્વચ્છતા જળવાય તે માટે રાત્રિ સફાઈની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવશે.

Leave a Comment

Traffic Tail