પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (PIMS) હોસ્પિટલમાં બુધવારે સવારે ભીષણ આગ લાગતાં હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગના નર્સરી વોર્ડમાં લાગેલી આગમાં 15 નવજાત શિશુનાં મોત થયાં હોવાના અહેવાલ છે, જ્યારે એક બાળકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, સવારે આશરે 7 વાગ્યે હોસ્પિટલના ત્રીજા માળે આવેલા માતા-બાળ આરોગ્ય વિભાગમાં આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, નર્સરીમાં લગાવાયેલા એર-કન્ડીશનરના કમ્પ્રેસરમાં ખામી સર્જાયા બાદ આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આગ સમયે વોર્ડમાં કુલ 16 નવજાત શિશુઓ સારવાર હેઠળ હતાં.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ બચાવ ટુકડીઓએ વોર્ડમાં કૂલિંગ અને રાહત કામગીરી હાથ ધરી હતી. ઘટનાના પગલે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મૃતક બાળકોનાં પરિવારજનોમાં ભારે શોક છવાયો હતો.
આ કરૂણ બનાવને પગલે પાકિસ્તાનની સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અને ઇમરજન્સી વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારોની ઓળખ કરીને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.









