ત્રણ ‘આતંકવાદીઓ’એ ફ્લાઇટ કબજે કરી હોવાનો દૃશ્ય સર્જાયો; સુરક્ષા દળોની ઝડપી કાર્યવાહીથી તમામ મુસાફરોને સુરક્ષિત બચાવવાની કવાયત
રાજકોટ: રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે ફ્લાઇટ હાઈજેકની ઘટનાને આધારે યોજાયેલી હાઈ લેવલ મોકડ્રીલથી થોડા સમય માટે દોડધામનો માહોલ સર્જાયો હતો. એરપોર્ટ કંટ્રોલ રૂમને મળેલા સંદેશમાં એર ઈન્ડિયાની 65 મુસાફરો સાથેની ફ્લાઇટ હાઈજેક થઈ હોવાની માહિતી મળતા સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી.
મોકડ્રીલના દૃશ્ય મુજબ ત્રણ ‘આતંકવાદીઓ’એ ફ્લાઇટ પર કબજો જમાવી કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વાત કરવાની માંગ કરી હતી. પરિસ્થિતિને વધુ વાસ્તવિક બનાવવા માટે એક મુસાફરને ઇજા પહોંચી હોવાનું પણ દર્શાવવામાં આવ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ પર સુરક્ષા દળો, પોલીસ અને અન્ય સંબંધિત એજન્સીઓએ સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી. ભારત સરકારના પ્રતિનિધિ દ્વારા આતંકવાદીઓ સાથે સતત વાટાઘાટો કરવામાં આવી રહી હતી, જ્યારે બીજી તરફ કમાન્ડો ટીમે સમગ્ર વિમાનને ઘેરી લઈને રેસ્ક્યૂ ઓપરેશનની તૈયારી હાથ ધરી હતી.
સુનિયોજિત કામગીરીના ભાગરૂપે કમાન્ડોએ વ્યૂહાત્મક કાર્યવાહી કરીને ત્રણેય ‘આતંકવાદીઓને’ આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
બાદમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે સમગ્ર ઘટના એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા, સંકલન અને ઇમરજન્સી પ્રતિસાદની ક્ષમતા ચકાસવા માટે યોજાયેલી મોકડ્રીલનો ભાગ હતી. વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન અને ત્વરિત પ્રતિસાદની કસોટી કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી.









