ધાંગધ્રા: ગુજરાતમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અપનાવવામાં આવતા નવા કીમિયાઓ સામે રાજકોટ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ટોલનાકા પાસેથી કારપેટના રોલની આડમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ.28.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત પીઆઈ અપૂર્વ પટેલની રાહબરીમાં પીએસઆઈ પી. એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા તથા તેમની ટીમ ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે પેટ્રોલિંગ અને વોચમાં હતી.
દરમિયાન પીએસઆઈ સી.એમ. કાંટેલિયા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે હરિયાણા પાસિંગની ટ્રક નં. HR-67-A-8964માં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે સોલડી ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. ટ્રક પહોંચતા જ પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં ટ્રકમાં કારપેટના મોટા રોલ ભરેલા જોવા મળ્યા હતા. જોકે, પોલીસે સઘન તપાસ કરતાં કારપેટના રોલની આડમાં સંતાડેલી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. તપાસ દરમિયાન કુલ 9,792 નંગ વિદેશી દારૂ અને બીયરનો આશરે રૂ.13.34 લાખનો જથ્થો મળી આવ્યો હતો.
આ મામલે પોલીસે ટ્રક ચાલક સંદીપકુમાર વિનોદકુમાર શાહુ (રહે. ભોજાસર, હનુમાનગઢ, રાજસ્થાન) અને રણવીરસિંગ મહેન્દ્રસિંગ ઘાયલ (રહે. ચીડીયાગાંધી, હનુમાનગઢ, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો, ટ્રક, કારપેટના રોલ સહિત કુલ રૂ.28.24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં ટ્રક મોકલનાર મહેશ (રહે. ફતેહાબાદ, હરિયાણા), દારૂ મંગાવનાર સ્થાનિક બુટલેગર, ટ્રકના મૂળ માલિક સહિત અન્ય સંડોવાયેલા શખ્સોની ભૂમિકા પણ સામે આવી છે. તમામ વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર રેકેટ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









