નવી દિલ્હી: ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી અને પાંચ કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડા બાદ હવે જેટ ફ્યુઅલ (ATF)ના ભાવમાં પણ પ્રતિ લિટર રૂ.5નો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી દેશની એરલાઈન્સ કંપનીઓને નોંધપાત્ર રાહત મળશે.
નવી કિંમત મુજબ જેટ ફ્યુઅલનો ભાવ પ્રતિ લિટર રૂ.110થી ઘટાડીને રૂ.105 કરવામાં આવ્યો છે. ઈરાન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અસ્થિરતાના કારણે છેલ્લા કેટલાક સમયથી વિમાની ઈંધણના ભાવમાં સતત વધારો થયો હતો, જેના કારણે એરલાઈન્સના સંચાલન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો હતો.
વધેલા ખર્ચને પગલે અનેક એરલાઈન્સે પોતાના ઉડાન કાર્યક્રમોમાં ફેરફાર કર્યા હતા. ખાસ કરીને એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ કેટલીક આંતરિક તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ઘટાડો કર્યો હતો.
હવે જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા ઘટાડાથી એરલાઈન્સના ઓપરેશનલ ખર્ચમાં રાહત મળશે. ઉદ્યોગ સાથે જોડાયેલા વર્તુળોના મતે, આ નિર્ણયથી હવાઈ સેવા ક્ષેત્રને સ્થિરતા મળશે અને આગામી સમયમાં ફ્લાઇટ સંચાલન વધુ સુવ્યવસ્થિત બનવાની શક્યતા છે.









