શેત્રુંજય પર્વત પર સિંહના દર્શન, વન વિભાગે યાત્રિકની બેગ શોધી પરત આપી

પાલિતાણાના પવિત્ર શેત્રુંજય પર્વત પર યાત્રા દરમિયાન યાત્રિકોને અનોખો અનુભવ થયો હતો. પર્વત પર ફરી એક વખત સિંહના દર્શન થતાં યાત્રિકોમાં આશ્ચર્ય અને ઉત્સુકતા જોવા મળી હતી. સિંહ દેખાતા સુરક્ષાના ભાગરૂપે યાત્રિકોએ થોડા સમય માટે પોતાની યાત્રા થંભાવી હતી.

ઘટના દરમિયાન એક યાત્રિકની બેગ સિંહ લઈને જંગલ તરફ જતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી હતી. જાણ મળતા જ વન વિભાગની ટીમે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

વન વિભાગના કર્મચારીઓએ જંગલ વિસ્તારમાં શોધખોળ શરૂ કરી અને થોડા સમયની મહેનત બાદ યાત્રિકની બેગ શોધી કાઢી હતી. ત્યારબાદ બેગ સુરક્ષિત રીતે યાત્રિકની પેઢીમાં પરત સોંપવામાં આવી હતી.

વન વિભાગની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે યાત્રિકને પોતાની બેગ પરત મળી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાએ એક તરફ ગીર વિસ્તારમાં વસતા એશિયાટિક સિંહોની કુદરતી હાજરીનો અહેસાસ કરાવ્યો તો બીજી તરફ વન વિભાગની જવાબદાર કામગીરી પણ ઉજાગર કરી હતી.

સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી અને યાત્રિકોએ પણ વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Comment

Traffic Tail