બાબા બાગેશ્વરના દરબારમાં ભૂતો ધુણાવવાના દાવા સામે વિરોધ, પોલીસ ફરિયાદની માંગ

રાજકોટમાં યોજાયેલા બાબા બાગેશ્વરના દરબારને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. ભારત જન વિજ્ઞાન જાથા રાજકોટના પ્રતિનિધિ જયંત પંડ્યાએ દરબારમાં જાહેરમાં લોકોને ધુણાવવાની અને ભૂત-પ્રેત સંબંધિત દાવાઓને અંધશ્રદ્ધા ફેલાવતી પ્રવૃત્તિ ગણાવી સખ્ત વિરોધ નોંધાવ્યો છે.

જયંત પંડ્યાના જણાવ્યા મુજબ, ડાકિની, શાકિની, પિશાચિની અને ભૂત-પ્રેતના નામે લોકોને જાહેરમાં ધુણાવવાની ઘટનાઓ સમાજમાં ગેરસમજ અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે છે. તેમણે દાવો કર્યો હતો કે ધૂણવાની આવી ઘટનાઓ પાછળ કોઈ અલૌકિક શક્તિ નહીં પરંતુ માનસિક અને ભાવનાત્મક પરિબળો જવાબદાર હોઈ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે દરબારમાં ધુણતા જોવા મળતા લોકોમાં ઘણા માનસિક તણાવ અથવા અન્ય માનસિક સમસ્યાઓથી પીડાતા હોઈ શકે છે, જેને ચમત્કાર તરીકે રજૂ કરવું યોગ્ય નથી. લોકો પર કહેવાતી ભૂત, ચૂડેલ અથવા અન્ય અદૃશ્ય શક્તિઓના હુમલાના દાવાઓને પણ તેમણે નિંદનીય ગણાવ્યા હતા.

ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. જો પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોર્ટના દ્વાર ખખડાવી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે.

જયંત પંડ્યાએ બાબા બાગેશ્વર તેમજ કાર્યક્રમના આયોજકો સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ નિવેદન બાદ સમગ્ર મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

Leave a Comment

Traffic Tail