દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર 48 કલાકમાં બીજો જીવલેણ અકસ્માત, બેના મોત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. છેલ્લા 48 કલાકમાં આ બીજો ગમખ્વાર અકસ્માત નોંધાતા એક્સપ્રેસવેની સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી પ્રશ્નો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, કરજણ નજીક વાપીના એક પરિવારને અકસ્માત નડ્યો હતો. પરિવાર રાજસ્થાનમાં આવેલા ખાટુ શ્યામના દર્શન કરવા જઈ રહ્યો હતો. નવ સભ્યોનો પરિવાર કારમાં સવાર હતો અને હાઇવે પર કાર પાર્ક કરી ઉભો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ દરમિયાન પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા એક અજાણ્યા વાહને પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારના ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અકસ્માત બાદ કરજણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહન અને તેના ચાલકને શોધવા માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સતત બની રહેલા અકસ્માતોને પગલે વાહનચાલકોમાં ચિંતા વ્યાપી છે. છેલ્લા 48 કલાકમાં બીજી જીવલેણ ઘટના બનતા આ માર્ગ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Leave a Comment

Traffic Tail