રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના અંધારીયા વાડા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળીને આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીના કારણે સ્થાનિક લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, જ્યારે બાળકોના સ્વાસ્થ્ય પર પણ તેની ગંભીર અસર જોવા મળી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા દિવસોથી નળમાં આવતું પાણી પીવા તો દૂર, ઘરવપરાશ માટે પણ યોગ્ય નથી. પાણીમાંથી દુર્ગંધ આવતી હોવા સાથે તેમાં ગટરનું પાણી ભળેલું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહિલાઓનું કહેવું છે કે અગાઉ નિયમિત પાણી મળતું હતું, પરંતુ હવે 6 થી 7 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને તે પણ અત્યંત ગંદુ હોય છે.
ગટરમિશ્રિત પાણીના ઉપયોગના કારણે વિસ્તારમાં નાના બાળકો ઝાડા-ઉલટી સહિતની બીમારીઓનો ભોગ બની રહ્યા છે. અનેક બાળકોને સારવાર માટે દવાખાનામાં ખસેડવાની ફરજ પડી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. જેના કારણે પરિવારોને માનસિક અને આર્થિક બંને પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મુદ્દે સ્થાનિક મહિલાઓ અને રહિશો દ્વારા નગરપાલિકા કચેરીમાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિકોએ તંત્ર સામે આક્ષેપ કર્યો છે કે પ્રજાને શુદ્ધ પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધા પૂરી પાડવામાં પણ નગરપાલિકા નિષ્ફળ સાબિત થઈ રહી છે. લોકો દ્વારા તાત્કાલિક તપાસ કરી ગટર અને પાણીની લાઈનોમાં રહેલી ખામી દૂર કરવાની માંગ કરવામાં આવી છે.
હવે સ્થાનિકોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમસ્યાનું નિરાકરણ લાવે અને લોકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવે.









