કલ્યાણપુરમાં ACBનો સફળ ટ્રેપ, ₹5 લાખની લાંચ લેતા સરપંચના પતિ અને દેર ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ ગોઠવી હરિપર ગામના સરપંચના પતિ અને તેમના દેરને રંગેહાથ ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ ₹5 લાખની લાંચ સ્વીકારતા ઝડપાઈ જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ખાણની કામગીરીમાં હેરાનગતિ ન કરવા બદલ ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરવામાં આવી હતી. આરોપીઓએ શરૂઆતમાં ₹30 લાખની માંગણી કરી હતી, જોકે બાદમાં ₹20 લાખમાં સોદો નક્કી થયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આ રકમમાંથી પ્રથમ હપ્તા તરીકે ₹5 લાખ સ્વીકારવાના હતા. કલ્યાણપુર મામલતદાર કચેરી સામે જામનગર ACBની ટીમે ટ્રેપ ગોઠવ્યો હતો. આરોપીઓ લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા તે દરમિયાન ACBએ બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

કાર્યવાહી દરમિયાન ACBએ લાંચની સંપૂર્ણ ₹5 લાખની રકમ કબજે કરી હતી. ટ્રેપ સફળ રહેતા ACBની ટીમે આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર કાર્યવાહી બાદ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે, જ્યારે ACB દ્વારા આરોપીઓના અન્ય સંભવિત કૌભાંડો અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail