રાજકોટમાં ખાદ્ય સુરક્ષા વિભાગની તપાસ દરમિયાન શુદ્ધ ઘીના નામે ભેળસેળ વેચાતી હોવાનો પર્દાફાશ થયો છે. કેવડાવાડી મેઈન રોડ પર આવેલ ‘ક્રિષ્ના ઘી ભંડાર’માંથી લેવામાં આવેલા ઘીના સેમ્પલને લેબોરેટરી તપાસમાં સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે.
તપાસ દરમિયાન ઘીમાં વનસ્પતિ તેલની હાજરી મળી આવતાં ખાદ્ય સુરક્ષા વિભાગે વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી શરૂ કરી છે. નિયમોનું ઉલ્લંઘન થતું જણાતા વેપારી સામે એજ્યુડિકેશન કેસ દાખલ કરવામાં આવશે.
આ ઉપરાંત ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા નંદનવનથી લઈને વગડ ચોકડી વિસ્તાર સુધી ખાણીપીણીના ધંધાર્થીઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુલ 19 જેટલા એકમોની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન લાયસન્સ વિના ધંધો ચલાવતા 9 વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. સંબંધિત વેપારીઓને નિયમોનું પાલન કરવા નોટિસ ફટકારવામાં આવી છે અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
ખાદ્ય સુરક્ષા વિભાગે જણાવ્યું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. સાથે જ ગ્રાહકોને પણ ગુણવત્તાયુક્ત અને પ્રમાણિત ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદવા અપીલ કરવામાં આવી છે.









