મહારાષ્ટ્રમાં મેઘતાંડવની અસર: ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, રાજકોટની મુંબઈ જતી 4 ટ્રેનો રદ

મુંબઈમાં ભારે વરસાદથી રેલવે ટ્રેક પર પાણી ભરાયા, અનેક ટ્રેનો રદ થતાં હજારો મુસાફરો મુશ્કેલીમાં

રાજકોટ: મહારાષ્ટ્રમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે ગુજરાત અને સૌરાષ્ટ્રના રેલવે વ્યવહાર પર પણ જોવા મળી રહી છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાના તાંડવને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાતા ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેનો ટ્રેન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. પરિણામે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી મુંબઈ જતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, ભારે વરસાદના કારણે ગઈકાલે દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેઈલ, બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ તેમજ મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી.

મંગળવારે પણ પરિસ્થિતિમાં ખાસ સુધારો ન થતાં દાદર-સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, પોરબંદર-દાદર એક્સપ્રેસ અને ભાવનગર ટર્મિનસ-આસનસોલ એક્સપ્રેસ સહિત રાજકોટ, વેરાવળ, ભાવનગર અને પોરબંદરથી મુંબઈ જતી ચાર ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદથી મુંબઈ જતી કેટલીક ટ્રેનોના સંચાલન પર પણ અસર જોવા મળી છે.

મુંબઈ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં ટ્રેનોની અવરજવર અટકાવવામાં આવી છે. મુસાફરોને ટ્રેનોની તાજી માહિતી માટે પશ્ચિમ રેલવે દ્વારા 139 હેલ્પલાઇન પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.

ટ્રેન સેવાઓ ખોરવાતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક મુસાફરોને મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી રહી છે. કેટલાક મુસાફરો ખાનગી વાહનો અને રોડ માર્ગે મુંબઈ જવા રવાના થયા છે. હવામાનની સ્થિતિ સામાન્ય બન્યા બાદ જ ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે પૂર્વવત્ થવાની શક્યતા હોવાનું રેલવે સૂત્રોએ જણાવ્યું છે.

Leave a Comment

Traffic Tail